પૃષ્ઠ:Bansari.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
સ્વપ્નસુંદરી

જાગ્યું ઉષાનું અનિલે ચુમ્યું નેત્ર પેલું
ને લોચનો ચુમી જગાડું તને સખી ! હું,
જો જાગી, કો રસ અપૂર્વ ઊંડો રૂપેરી
તારી પ્રભા સમ, ઊભો પ્રિય ! વ્યોમ ઘેરી.
ન્હાનાલાલ


હિંમતસિંગ અને કમિશનર વચ્ચે ટેલિફોન ઉપર થતી વાતચીત મારા વિષે જ હતી, એટલે તે મેં ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી. ટેલિફોનની અંદર શો અવાજ આવતો હતો તે સાંભળી શકાય એમ નહોતું, પરંતુ હિંમતસિંગ જે જે હકીકત જણાવતા હતા તે તે હકીકતે મારું ધ્યાન ખેંચ્યું. ટેલિફોનમાં હિંમતસિંગ આ પ્રમાણે જણાવતા હતા :

‘હા જી, હિંમતસિંગ... અહીંથી બોલું છું નં. ૫૩૭... ભાડે આપવાનું હતું... મેં તથા જ્યોતીન્દ્રે યોજના કરી હતી. બાતમી ઉપરથી... મતભેદ છે. સુરેશ મારે કબજે છે. પુરાવો હોય પછી શી હરકત છે ?... જ્યોતીન્દ્ર એમના મિત્ર છે એ ભૂલવું ન જોઈએ... આપ છોડી દેવા કહો છો? હું તદ્દન વિરુદ્ધ છું... આરોપી પછીથી હાથ નહિ આવે... આપની પછી મરજી. હું તો ના જ પાડું છું. જ્યોતીન્દ્રની જરૂર શી છે ? એમણે આ કેસને ગૂંચવવા સિવાય બીજી શી મદદ કરી છે ?... હુકમ હોય તો છોડી દઉં. પછી હું આ કેસ હાથ ઉપર લઈશ નહિ. હા જી. હું સરકારી નોકર છું એ હું બરાબર જાણું છું... તો હું હુકમનો જ અમલ કરીશ. સ્વતંત્રપણે આ કેસમાં નહિ જ કરું... મને પણ સ્વમાન હોય ને ? છતાં જ્યોતીન્દ્રની સલાહ આપ અનુસરવા માગતા હોય તો ભલે !... હું છોડી દઉં છું, પરંતુ ભૂલ થાય છે. ઠીક.'

આટલી વાતચીત પછી હિંમતસિંગે રિસીવર પાછું મૂકી દીધું. તેના મુખ ઉપર ભારે ગુસ્સો ફેલાયેલો હતો. આ પ્રમાણિક અને બાહોશ પોલીસ અમલદારની કીર્તિ ઘણી જ્વલંત હતી; તેની બહાદુરી પણ સહુને જાણીતી હતી. જે કામ હિંમતસિંગને સોંપવામાં આવતું તે કામમાં પોલીસને સંપૂર્ણ