પૃષ્ઠ:Bansari.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વપ્નસુંદરી: ૫૯
 

વિજય મળતો. તે દેશી હતો અને ઘણું ભણેલો પણ ન હતો, છતાં તેની બહાદુરી અને ગુના પકડવાની કુનેહને લીધે તેને ઊંચી અમલદારી પ્રાપ્ત થઈ હતી. જ્યોતીન્દ્રને બધા પોલીસ અમલદારો સાથે પરિચય હતો, અને તેના અને કમિશનરના સંબંધને લીધે જ્યોતીન્દ્ર પ્રત્યે બધા માનભર્યું વતન રાખતા, તથાપિ ઘણાને આવો બહારનો માણસ ગુનાના કામમાં દખલ કરે એ રુચતું નહિ. હિંમતસિંગ તેમાંનો એક હતો. જ્યોતીન્દ્રની સૂચના મુજબ કામ કરવાનું તેને કમિશનરે કહ્યું હતું એમ લાગ્યું, અને મારા વિષે મતભેદ પડવાથી તેણે જ્યોતીન્દ્રની ઇચ્છા વિરુદ્ધ મને કેદ પકડ્યો હતો. હવે કમિશનરે જ ટેલિફોન કરી. જ્યોતીન્દ્રની ઇચ્છા પ્રમાણે મને છૂટો મૂકવા આજ્ઞા કરી હતી. એથી હિંમતસિંગ માનભંગ થયા, અને એક કડક તથા પ્રામાણિક અમલદાર તરીકે તેમને ગુસ્સો પણ ઘણો જ ચડ્યો. છતાં અણગમતા હુકમનેય માથે ચઢાવવો એ પોલીસનું કર્તવ્ય ગણાય છે, તે અન્વયે તેમણે મારા હાથમાંની બેડી કાઢી નાખવા પોલીસના સિપાઈને આજ્ઞા કરી. બેડી નીકળતાં હિંમતસિંગે મને કહ્યું :

‘કમિશનર સાહેબે તમને છૂટા મૂકવા હુકમ કર્યો છે. તમે છૂટા છો અને તમારી મરજી ફાવે ત્યાં જઈ શકો છો.'

‘આપનો અને કમિશનર સાહેબનો આભાર માનું છું. નિર્દોષ માણસને બેડીનો અનુભવ રુચિકર તો નથી જ.' મેં કહ્યું.

‘નિર્દોષ ? તમારા સરખો ભયંકર ગુનેગાર હજી મારા અનુભવમાં આવ્યો નથી.' હિંમતસિંગે કહ્યું.

'હિંમતસિંગ ! તમારા અનુભવ માટે મને ભારે માન હતું. મને ભયંકર ગુનેગાર તરીકે માની આપ બધી કલ્પનાઓ રચતા હો તો મારે જરૂર મારો ખ્યાલ બદલવો પડશે.' મેં કહ્યું.

મારું કથન, તલમાત્ર પણ હિંમતસિંગ માનતા ન હોય, અને હું એક ભયંકર ગુનેગાર હોઉં એમ આંખ દ્વારા હિંમતસિંગે સૂચન કર્યું. મને લાયકાત કરતાં વધારે માન મળતું હોય એમ લાગ્યું. ગુનો કરવાની સંપૂર્ણ અશક્તિ હોવા છતાં પોલીસખાતાના અનુભવી અમલદારો ગુનેગાર સરખો જ મારો ડર રાખે એથી હું જરા ફુલાયો, અને એક ક્ષણ ગુનેગારની મોટાઈ મેં રસપૂર્વક અનુભવી. મારું વચન સાંભળી હિંમતસિંગ બોલ્યા : ‘જ્યોતીન્દ્રની તમને સહાય ન હોય તો અત્યારે બધું નક્કી થઇ ગયું હોત. ઠીક છે. હવે હું છું, તમે છો અને જ્યોતીન્દ્ર છે ! મેદાને પડી ચૂક્યા છીએ, જુઓ હવે કોણ જીતે છે !’

આટલું બોલીને હિંમતસિંગ અને તેમના માણસો બહાર નીકળ્યા,