પૃષ્ઠ:Bansari.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦:બંસરી
 

હું પણ તેમની સાથે જ બહાર નીકળી ગયો. હિંમતસિંગે આ બંગલા ઉપર નજર રાખવા માટે એક માણસને યોજી દીધો; અને પોતે મોટરમાં બેસી ઝડપથી ચાલતા થયા. પોલીસના માણસોથી છૂટો પડી હું પણ મારા ઘરને માર્ગે ચાલવા માંડ્યો.

સુધાકર તથા વકીલને મળવાનું તો ક્યાં રહ્યું, પણ બેડીનોયે અનુભવ મેં કરી લીધો ! પગે ચાલીને ઘર સુધી પહોંચાય એટલી પગમાં શક્તિ રહી નહોતી. નજીકમાં રસ્તાની એક બાજુ ઉપર સુધરાઈની પાટલી પડી રહી હતી ત્યાં જઈને હું બેઠો. મધ્યરાત્રિ, શીળો પવન અને ઘણો જ થાક : એ ત્રણેએ મળી મને જકડી લીધો. મારી આંખો ભારે થઈ ઘેરાઈ ગઈ, અને સઘળી સભ્યતા બાજુએ મૂકી ફૂટપાથ તેમ જ પાટલીઓ ઉપર સૂનાર રખડેલની માફક પગ લંબાવી હું સૂઈ જ ગયો.

ઊંઘમાં સઘળું દુઃખ વિસારે પડ્યું. ન ગોદડાની જરૂર રહી, ન તકિયાની જરૂર રહી. ખરી નિદ્રાને સગવડ ભાગ્યે જ જોઈતી હશે. મારા તકિયા વગર મારાથી સુવાય જ નહિ એવી મને ટેવ હતી. હું ઘણી વખત વિચાર કરતો કે તકિયા વગર માણસોથી સુવાતું કેમ હશે ? જગતની વસતીનો પોણો ભાગ તકિયા વગર જ પોતાની ઊંઘ મેળવી લે છે એથી મને ઘણી જ નવાઈ લાગતી. ગરીબીની સામાન્યતામાં હું આજે ભળી ગયો.

આ નિદ્રામાંથી હું જાગ્યો ત્યારે મારા કપાળ ઉપર મૃદુ સ્પર્શ થતો લાગ્યો. કદાચ એ સ્પર્શ વડે જ હું જાગી ગયો હોઈશ. પ્રથમ તો મને લાગ્યું કે હું સ્વપ્ન જતું ન રહે એ અર્થે મેં થોડી વાર આંખો મીંચેલી જ રાખી. સ્પર્શ સ્ત્રીનો જ હતો.; પુરુષ અને સ્ત્રીના સ્પર્શના ભેદ અનુભવ ન હોય તેને પણ ન સમજાય એવો જ હોય છે. મારી કલ્પનાએ મને ગમતું સ્ત્રીસ્વરૂપ ઊભું કર્યું. બંસરીને કલ્પનામાં જોવા લાગ્યો. અને તેનો સ્પર્શ અનુભવવા લાગ્યો. બંસરીનું ખૂન થયું હતું એ વાત જ હું ભૂલી ગયો. ગમતાં સ્વપ્નો કાયમ બની જતાં હોય તો કેવું ? સ્વપ્નને ચિરંજીવી બનાવવાનું કાંઈ સાધન નહિ હોય ? સ્વપ્ન પ્રમાણે સંસાર કેમ ઘડાતો નથી ?

આંખો મીંચી રાખી સ્વપ્નને ચાલુ રાખવા મારાથી બનતો પ્રયત્ન મેં કર્યો. પરંતુ મૃદુ ઓષ્ઠના મારે કપાળે થયેલા સ્પર્શ સાથે એક સ્પષ્ટ, ન વિસરાય એવો ચુંબનધ્વનિ સાંભળ્યો. તે સાથે જ મારી આંખ ખૂલી ગઈ. એ ચુંબન પછી આંખ મીંચી રખાય એમ હતું જ નહિ.

આંખ ઉઘાડતાં જ મેં શું જોયું ? બંસરીને જોવાની પૂર્ણ ખાતરી સાથે ઊઘડી ગયેલી આંખોએ શું બંસરીને જોઈ ? ના, મારી આંખે એક સુંદર સ્ત્રી