પૃષ્ઠ:Bansari.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વપ્નસુંદરી:૬૧
 

નિહાળી એક ક્ષણ બે ક્ષણ મેં તેને જોઈ. ખરેખર કોઈ પરિચિત મુખવાળી તે સ્ત્રી હતી એમ મને ભાસ થયો. એ કોની આંખો ? કોનું મુખ ? એમ શંકામાં પડતાં હું ધારીને જોવાની ઇચ્છા કરવા લાગ્યો. તે સાથે તો એ યુવતી એકાએક પાસેના વૃક્ષઝુંડમાં એક કે બે વખત દેખાઈ અદૃશ્ય થઈ ગઈ, એના પગ પણ એવા પડતા હતા કે જાણે તે રબ્બરના હોય ! તેની હીલચાલ પણ એટલી મૃદુ અને ઝડપભરી હતી કે જરા પણ અવાજ વગર તે જોતજોતામાં અદૃશ્ય થઈ ગઈ. મારું હૃદય ધડકવા લાગ્યું. શું ખરેખર આ મારી પરિચિત યુવતી હશે ? કે એને મળતા દેખાવની કોઈ બીજી યુવતી હશે ? બંસરી તો તે નહોતી જ એમ મારી ચોક્કસ ખાતરી થઈ. ત્યારે એ કોણ ? આખું દૃશ્ય જ સ્વપ્નમય હોય તો ? મને થયેલો સ્પર્શ આ પ્રસંગને સ્વપ્ન તરીકે ઓળખાવવા દેતો નહિ. કે પછી કોઈ અમાનુષી સત્ત્વનું આ બધું અટકચાળું હશે ? ભૂતપ્રેતમાં મને કદી શ્રદ્ધા ઉત્પન્ન થઈ નથી; દિવ્ય સત્ત્વ સંબંધી કલ્પના મને હાસ્યજનક લાગતી; અને ઈન્દ્રિયગમ્ય ન હોય એવાં સત્ત્વો ઈન્દ્રિયગમ્ય ચાળા કરે એ કુદરતના નિયમ વિરુદ્ધ છે એમ હું માનતો.

ત્યારે ખરું શું ? જે પાટલી ઉપર હું સૂતો હતો તે પાટલી એક ઝાડ નીચે આવેલી હતી. હવે હું બરાબર જાગ્રત થઈને પાટલી ઉપર બેઠો. ફૂટપાથની પાછળ મોટાં મોટાં ઝાડની ઘટા જામેલી હતી. અને એ મેદાન મૂકીને પાછળ ક્યાં જવાતું હશે તેનો મને કદી ખ્યાલ આવેલો નહિ. આ બાજુ શહેરની બહાર એકાંત આવેલું હતું. અને થોડાં વર્ષો થયાં લોકોની પાસે યુદ્ધ પછીના વ્યાપારને અંગે વધી ગયેલી લક્ષ્મીના પરિણામે જ છૂટાં છૂટાં મકાનો બંધાઈ કેટલીક વસતી વધવા લાગી હતી. તે છતાં આ ભાગ વસતી વગરનો ગણાતો, અને સામાન્યતઃ મોટર કે ગાડીના સાધનવાળાને જ ફરવા આવવાના સ્થળ તરીકે ઓળખાતો. એક વખત અમે પણ આ સ્થળે મોટો બંગલો બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ પછીથી અમારી કંપની તૂટી પડવાથી મેં તેમાં ભાગ લીધો નહિ. સુધાકર અને મારો વૈજ્ઞાનિક મિત્ર એ સંબંધી કાંઈ તજવીજ કરતા હતા. પરંતુ પછી તો મારો સંબંધ તેમની સાથે તૂટ્યો એટલે બંગલાનું શું કર્યું અને શું થયું તેની મેં કદી તપાસ કરી નહોતી. આજે અચાનક શિવનાથની સાથે અજાણ્યા બંગલામાં આવી ચડી. એક બીજા ખૂનનો આરોપ માથે લઈ હું આ ઉજ્જડ જગાએ સૂતો હતો ! નિદ્રામાં એક સ્ત્રીએ વિક્ષેપ પાડ્યો. બંસરી તે નહોતી. એમાં તો શક જ નહિ. તો પછી આમ મને ખોળતી ચાહતી આવતી સ્ત્રી કોણ હશે ? તેની આંખ ક્યાંઈક જોયેલી હતી; મુખ જોયાની ખાતરી હોવા છતાં