પૃષ્ઠ:Bansari.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એક જાહેર વાર્તાલાપમાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જાસૂસકથાનું સ્થાન વાર્તાસાહિત્યમાં ઊંચું ગણાય કે નીચું ? અલબત્ત, જાસૂસકથાઓને શિષ્ટસાહિત્ય - Classics - માં સ્થાન મેળવતાં બહુ મુશ્કેલી પડે છે, અને વિદ્યાપીઠોના અભ્યાસક્રમમાંથી તો એ પ્રકારનું સાહિત્ય લગભગ બહિષ્કૃત રહે છે. છતાં એટલા જ કારણે સાહિત્યનો કોઈપણ પ્રકાર ચઢતો ઊતરતો ગણી શકાય નહિ. જાસૂસકથામાં મનોરંજન કરવાની શક્તિ હોવા ઉપરાંત પાત્રાલેખનને પણ અવકાશ રહે છે. અને જોકે પ્રસંગપરંપરાનું એમાં પ્રાધાન્ય હોય છે, છતાં એ પાત્રપ્રધાન નવલકથા કરતાં અવશ્ય ઊતરે એમ માનવામાં કારણ મને જડતું નથી. જાસૂસકથામાં પણ ઉચ્ચ કલાતત્ત્વ આવી શકે છે અને પાત્રાલેખન તેમ જ પ્રસંગની કલામય ગૂંથણી બીજા કોઈપણ વાર્તાપ્રકારના સરખી જ સરસ ગૂંથી શકાય છે. એટલે જાસૂસકથાને ઊતરતો ક્રમ આપવાની જરૂર નથી. આવી મતલબનો મેં જવાબ આપ્યો હતો; અને હજી પણ એ માન્યતા હું ધરાવું છું.

જાસૂસકથાઓને હલકી ગણી કાઢવાથી ઘણા સારા લેખકો એ કથાપ્રકાર તરફ ઉદાસીનતા સેવે છે. પણ તેમ કરવાની જરૂર મને લાગતી નથી. નવલકથાના લેખકો એ બાજુ નજર નાખે તો તેમાં હરકત નથી.

પરંતુ અહીં ચર્ચા શક્ય નથી. ઊતરતી ચઢતી જેમ કહેવાય તેમ ખરું; વાચકોની અમુક અભિરુચિને તે પોષી શકે છે એમાં તો બે મત છે જ નહિ. શિષ્ટ લેખકો એને પણ સ્પર્શે તો જાસૂસકથા પણ ઉન્નત થાય.

મારો દાવો શિષ્ટતાનો કે જાસૂસકથાની ઉન્નતિ કરવાનો છે એમ આ ઉપરથી કોઈ ન માને એમ વિનંતિ છે. બીજી આવૃત્તિ વખતે હું તો માત્ર એટલું જ કહી શકું કે વાચકોને આ ઢબની વાર્તાઓ તરફ પણ અભિરુચિ હોય છે.

૩ ફેબ્રુઆરી, ૧૯૩૬
રમણલાલ વ. દેસાઈ
 


સાતમી આવૃત્તિની પ્રસ્તાવના

મુ. ભાઈસાહેબની ‘બંસરી’ નવલકથા નવી આવૃત્તિ પામે છે એથી આનંદ થાય છે. રહસ્યમય ડિટેક્ટિવ નવલકથા લખવાનો એમનો આ અખતરો હતો. એમના વિવિધ પ્રયોગો રસમય રીતે વંચાય છે એ સંતોષ આપે છે. પ્રકાશકોનો આભાર.

જયકુટીર, ટાઈકલવાડી
મુંબઈ - ૧૬ , તા. ૨૦-૮-૭૦
અક્ષયકુમાર ર. દેસાઈ