પૃષ્ઠ:Bansari.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪:બંસરી
 

લાગ્યું જ કે એ વીજળીની બત્તીવાળો માણસ ત્યાંથી ખસી જશે. હું તે સ્થળે અંધારામાં પહોંચી જોવા લાગ્યો; ત્યાં કોઈ હતું જ નહિ. પરંતુ વળી થોડે દૂરથી એ બત્તીનો પ્રકાશ મારા ઉપર પડ્યો; હું તે તરફ ધપ્યો. ત્યાં પહોંચતાં પાછો પ્રકાશ આધે ગયેલો જણાયો. આ માણસ મારાથી નાસે છે કે મને કોઈ જાળમાં ફસાવે છે, એ મને સમજાયું નહિ. કોઈ પણ બાબતમાં જિજ્ઞાસા ઉશ્કેરાય તો પછી તે તૃપ્ત કર્યા વગર મને જરા પણ ચેન પડતું નહિ. આ વ્યક્તિનો ભેદ પારખવા મેં નિશ્ચય કર્યો; પરંતુ આ વખતે આગળ ન વધતાં હું જ્યાં હતો. ત્યાં જ કેટલીક વાર ઊભો રહ્યો. બત્તીવાળા માણસે ધાર્યું હશે કે દીવાથી આકર્ષાઈ હું પાછો આગળ વધીશ. તેણે બત્તી છેવટની જગાએ ફેરવી પરંતુ ત્યાં હું નહોતો, એટલે પ્રથમની જગાએ ઓળંગી હું જ્યાંથી ખસ્યો નહોતો. તે જ સ્થળ ઉપર તેણે બત્તીનો પ્રકાશ લંબાવ્યો. આ પ્રકાશ બંધ ન કરતાં તેણે તે ચાલુ રાખ્યો. મારું આખું શરીર તેને સ્પષ્ટ દેખાયું હશે, અને હું કોણ છું તે પરખી ગયો હશે એવી મારી ખાતરી થઈ ગઈ. વળી પ્રકાશ કોઈ ઊંચા સ્થાનમાંથી આવતો હતો એમ મને લાગ્યું. હવે મને ડર રહ્યો નહોતો. પ્રકાશને જ માર્ગે હું આગળ ચાલ્યો. થોડેક સુધી વધ્યો અને પ્રકાશ બંધ થયો. પરંતુ મેં તો આગળ વધવું ચાલુ રાખ્યું.

એક મોટી દીવાલ આવતાં હું અટક્યો. એ દીવાલ ઉપરથી જ છેલ્લી વખતનો પ્રકાશ આવ્યો હશે એમ મને લાગ્યું. દીવાલ ઉપર હાથ ફેરવ્યો; અંધારામાં તેની ઊંચાઈનો અંદાજ કાઢ્યો. કોઈ બંગલાની આગળની મોટી દીવાલ હતી એમ મને ખ્યાલ આવ્યો. આ કોટની અંદર કોઈ મકાન હશે. અને એમાં બત્તીવાળો માણસ ચાલ્યો ગયો હશે એમ મને લાગ્યું. પરંતુ એક મને સમજાઈ નહિ. જો એ મનુષ્ય બંગલામાં રહેતાં મનુષ્યોથી પરિચિત હોય તો આ દીવાલ ઉપર ચડીને અંદર કેમ ગયો હશે ? જો તે પરિચિત ન હોય તો મારા જેવા અજાણ્યા મનુષ્યને દીવાથી ધારી ધારીને કેમ આકર્ષતો હશે ? અહીં પણ હું ગુનેગાર તરીકે જ સર્વના નિરીક્ષણને પાત્ર બનતો હતો કે શું ?

દૂરથી એક ઘંટડીનો અવાજ મારે કાને પડ્યો. નાના દેવમંદિરમાં આરતી પ્રસંગે જેવી નાનકડી ઘંટડી વાગે એવો અવાજ મને લાગ્યો. અહીં દેવમંદિ૨ શાનું ? અને તે આટલી ભાંગી રાતે ખુલ્લું કેમ હોય ? હજી પરોઢિયાને વારે હતી. શું પૂજારી સમય ભૂલ્યો હશે ?

મેં આજુબાજુ હાથ ફેરવ્યા. થોડી ઈંટો નીકળી ગઈ હતી. તેની મદદ વડે ભીંત ઉપર ચડ્યો અને એવી જ ઢબે અંદરના ભાગમાં હું ઊતરી