પૃષ્ઠ:Bansari.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬: બંસરી
 

બદલે મને રોકવા માટે કોઈ તૈયાર છે એમ જાણી હું ખમચાયો. મારાથી જવાબ અપાયો નહિ, પરંતુ મારી જ જોડમાંથી કોઈએ અજાણી ભાષાનો અજાણ્યો ઉદ્ગાર કાઢ્યો. અંધકારમાં મારી પાડોશમાંથી મારી સાથે કોણ નીકળી આવ્યું હશે તેનો હું વિચાર કરું, એટલામાં તો બારણું બંધ થઈ ગયું. માત્ર એ બારણામાંથી એક ડોકાબારી ખૂલી ગઈ અને મારી જોડમાંથી અચાનક નીકળી આવનાર પુરુષ એ ડોકાબારીમાં થઈને અંદર ગયો. ડોકાબારી બંધ થઈ. બારણું ખૂલી ગયું અને હું બારણા પાસે જ અંધકારમાં ઊભો રહ્યો.

મને ‘કોણ છે'ના જવાબમાં અપાયેલો સંકેત શબ્દ આવડતો નહોતો. એટલે ફરી વાર બારણામાં પગ મૂકવાની મેં હિંમત કરી નહિ. એટલી તો મારી ખાતરી થઈ કે સંકેત શબ્દનો ઉચ્ચાર કરનાર પુરુષ મને ભાળી ગયો છે. એનું પરિણામ ભયંકર આવશે જ એમ મેં ધાર્યું. આ ભેદભર્યાં મકાનમાં ભેદી માણસોનો વસવાટ હતો. એમાં કાંઈ શક રહ્યો નહિ. હું ધારતો હતો. તે પ્રમાણે આ સ્થળ ઉજ્જડ અને રક્ષકો વગરનું નહોતું. મને ખબર પણ ન પડે એવી રીતે મારી જોડે માણસો ફરી શકે છે અને મારા ઉપર પહેરો રાખે છે એ મને સમજાયું. હું પગથિયાં નીચે ઊતરી પાછો ફર્યો અને મકાન ચારે પાસથી નિહાળવા લાગ્યો. અંધારામાં તેમ જ ઝાડની ઘટાને લીધે સ્પષ્ટ કશું સમજાતું નહોતું, તથાપિ એક નાની જાળીમાંથી દીવાનો પ્રકાશ અંદર હોય એમ ભાસ થયો. આ જાળી એક માળ જેટલી ઊંચી હતી.

જાળી ઉપર ચઢીને કાંઈ જોવાય તો કેવું ! એવો મને વિચાર આવ્યો. વિચારની પાછળ કાર્ય ચાલ્યું આવે છે. મેં જાળી ઉપર ચડવા માટે આમતેમ બાથોડિયાં માર્યાં, પરંતુ ઉપર ચઢવા માટે કાંઈ પણ સાધન જણાયું નહિ. એ જાળીથી થોડે દૂર વૃક્ષની એક ડાળી ઝૂકતી હતી. તે મારી નજરે પડી. એ ડાળી ઉપર ચઢવા મેં મથન કર્યું. ઝાડ ઉપર ચઢવાની ટેવ બહુ વર્ષોથી વિસરાઈ ગઈ હતી. પરંતુ કામની તીવ્રતામાં જૂની આવડત સચેત થઈ ગઈ. થડ ખોળી કાઢી હું ઝાડ ઉપર ચડ્યો. કોણ જાણે કેમ મારી હાલચાલથી જરા પણ અવાજ થયો નહિ. જાળી પાસે ઝૂકતી ડાળી તરફ હું ઊતર્યો. ડાળ મજબૂત હતી અને ધીમે ધીમે હું તેના છેડા સુધી જઈ શક્યો. છેડા ઉપર બેસી મેં ધીમે રહી જાળીમાં નજર નાખી.

આછા ભૂરા પ્રકાશથી એ ઓરડો ભરેલો હતો. સાદી પણ સુશોભિત રીતે ઓરડો શણગારેલો હતો. ત્રણ ચાર માણસો એ ઓરડામાં સ્થિર બેઠેલાં હતાં. વધારે ધ્યાનપૂર્વક જોતાં તેમાં એક સ્ત્રી પણ મને બેઠેલી દેખાઈ. સ્ત્રીની પીઠ મારા તરફ હતી એટલે તેનું મુખ હું જોઈ શક્યો નહિ,