પૃષ્ઠ:Bansari.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨: બંસરી
 


અરે, આ જીવતી-જાગતી-બોલતી યુવતી સ્વર્ગની શાની વાતો કરે છે ? શું તેને આ સાધુએ ગાંડી બનાવી મૂકી છે કે શું ? દિવ્ય લોક અને દિવ્ય પ્રદેશોની કલ્પનાઓ વડે મુગ્ધ બનાવતા ધાર્મિક પુરુષોએ અનેક સ્ત્રીઓને જીવતેજાગતે સ્વપ્ન જોતી કરી છે એ હકીકત મારા સ્મરણમાં આવી.

ઓરડાનો એક દરવાજો ઊઘડ્યો અને તેમાંથી એક પુરુષ અંદર આવ્યો. દરવાજો. ઊઘડતાં કશો જ ખડખડાટ થયો નહિ. અને કોઈનું પણ ધ્યાન તેના તરફ દોરાયું નહિ. તેણે મોઢે ને માથે એક વસ્ત્ર ઓઢેલું હતું, પરંતુ તે એવી રીતે કે તેની આંખો અને મુખનો થોડો ભાગ નજરે પડે.

તે મનુષ્ય અંદર આવ્યો અને તેણે એક ખૂણા ઉપર સ્થાન લીધું એટલે તત્કાળ એક બીજો મનુષ્ય - જે આ ક્ષણે ઊભો થઈ ગયો હતો. તેણે ત્યાંથી ચાલવા માંડ્યું. જરા પણ અવાજ કર્યા વગર તેણે દરવાજો ઉઘાડ્યો અને તે બહારના ખંડમાં અદ્દશ્ય થઈ ગયો.

મેં ધારીને જોયું તો ખંડને ચારે ખૂણે એક એક માણસ પૂતળાની માફક બેસી રહ્યું હતું. ઓરડાના રક્ષણ અર્થે તેમ હશે કે સાધુનું સાંનિધ્ય સાચવવા માટે તેઓ બેઠા હશે, તે નક્કી થઈ શક્યું નહિ. તથાપિ એક માણસે આવી બીજાનું સ્થાન લીધું એટલે મને લાગ્યું કે આમાં રક્ષણનો હેતુ હોવો જોઈએ. કોઈની પાસે કાંઈ હથિયાર નહોતું. મને તો દેખાતું નહોતું. મને તે વખતે વિચાર આવ્યો તથાપિ સાધુની, અને બંસરીને નામે જવાબ દેતી પેલી યુવતીની વાતચીતમાં હું એવો એકાગ્ર બની ગયો હતો. કે હું મારું બીજું બધું ભાન ભૂલી ગયો.

ઓરડામાંના ભૂરા પ્રકાશે મારા મન ઉપર પણ જાણે કાંઈ અસર કરી હોય એમ મને લાગ્યું. કોઈ માનસિક શક્તિ દ્વારા કોઈ સત્ત્વનું આહ્વાન થતું હોય અને તે દૃશ્ય જોનારા જેમ ઠરી જાય તેમ કેટલીક વખતે હું ઠરી જતો

થોડીવારે સાધુએ પાછું પૂછ્યું :

‘ત્યારે બંસરી ! તું સ્વર્ગમાં હતી, ખરું ?

‘ના... હા... હા... એ જ સ્વર્ગ ?’

‘જરૂર; એ જ સ્વર્ગ, તું કેમ ભૂલી પડે છે ?'

‘હું હવે ભૂલીશ નહિ. એ જ સ્વર્ગ.'

‘ત્યાં તને કોણે મોકલી ?’

'મને ત્યાં કોણે મોકલી ?’