પૃષ્ઠ:Bansari.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની ક્ષણ : ૭૩
 


‘હું પૂછું છું; તારે તે કહેવાનું છે.’

‘હું કહું ! મને... મને.. ના નહિ કહું.’

‘તું કેમ નહિ કહે ?'

‘મારી મરજી.'

‘જો બંસરી ! હું તારો ગુરુ છું. મારી આજ્ઞા તું નહિ માને તો શું થશે. તે જાણે છે ?’

'ના'

‘અગ્નિ, વિષ, કટુતા. એમાં અનંત કાળ...’

‘કહું છું, કહું છું !’

‘ઠીક, બોલ.’

‘મને કોણે સ્વર્ગમાં મોકલી ? જેને હું ચાહતી હતી. તેણે જ.’

‘પણ તું કોને ચાહતી હતી ?’

‘સુરેશને !’

‘ત્યારે સુરેશે તારું ખૂન કર્યું એ વાત ખરી ને ?’

‘ઓ....ઓ..મને એ વાત પૂછશો નહિ, મારું હૃદય ચિરાઈ જાય છે.'

‘મારી આજ્ઞા છે; કહે.’

‘હા, હા, કહું છું. અરે મને પાછી જવા દો, ઓ... ઓ. સુરેશે જ મારું ખૂન કર્યું !’

આ જીવતી સ્ત્રી ! જીવતી બંસરી ! શા માટે મને ખૂની કહે છે ? મેં સઘળાં પાપ કર્યા હશે પરંતુ બંસરીના ખૂનનું પાપ તો મેં કદી કર્યું જ નથી એવી મારી ખાતરી છે. પછી બંસરીને જ મોઢેથી આ કથન ?

'હવે તું તેને ચાહે છે ખરી ?’

‘અલબત્ત.' યુવતીએ દૃઢતાથી જવાબ વાળ્યો.

સાધુનું મુખ ભયંકર બની ગયું. આ રૂપાળા લાગતા મનુષ્યનું મુખ આટલું બધું કર્કશ બની જાય એ મને તો બહુ જ વિચિત્ર લાગ્યું. જરા રહી સાધુ બોલ્યો :

‘બંસરી ! તારો હાથ મારા હાથમાં આપ.'

આ સાંભળતાં હું એકદમ ઉશ્કેરાયો. આ પાપી પુરુષ. શું કહે છે ? મને એમ થયું કે આ જાળી તોડી હું અંદર પ્રવેશ કરું. બંસરીનો હાથ મહામહેનતથી જાણે ઊપડતો હોય એમ લાગ્યું. ન છૂટકે, કોઈ અગમ્ય બળ તે યુવતીના હાથને ખેંચી સાધુના હાથમાં મૂકતું હોય તેમ તેનો હાથ વળ્યો.