પૃષ્ઠ:Bansari.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪:બંસરી
 

અને સાધુએ લંબાવેલા હાથમાં તે પડ્યો. ક્રોધના આવેશમાં મને ભાન રહ્યું નહિ. મેં ડાળી ઉપરથી હાથ ખસેડ્યો અને જાળી ઉપર નાખ્યો. નહિ જેવો ખડખડાટ થયો તથાપિ સાધુની સ્થિર આંખો ઊંચે ફરી અને પાછી તેને પૂર્વવત્ રાખીને તેણે કહ્યું :

‘બંસરી ! તું સુરેશને ચાહે છે, ખરું ?’

'હા'

‘એને સ્વર્ગમાં તારી સાથે મોકલીએ તો કેવું ?’

‘મને બહુ જ ગમે.’

'પાસે જ સંતાડી રાખેલી એક રિવોલ્વર કોણ જાણે ક્યાંથી સાધુએ કાઢી અને બહુ જ ધીમેથી તેણે તે સ્ત્રીના હાથમાં મૂકી દીધી.

'લે ત્યારે, આ રિવોલ્વર પેલી જાળીમાં તાકીને માર.'

હું એકદમ લેવાઈ ગયો. પેલી સ્ત્રીના હાથમાં રિવોલ્વર આવી, પરંતુ તેણે જરા પણ હીલચાલ કરી નહિ. સાધુએ કહ્યું :

‘શું કહું છું; મારી આજ્ઞા છે ! જાળી ભણી ફરીને તાક.’

અને પેલી યુવતી જાળી ભણી ફરી. તે બંસરી નહોતી એવી તત્કાળ મારી ખાતરી થઈ. તેણે રિવોલ્વર જાળીમાં તાકી અને તે જ ક્ષણે હું મૃત્યુનો પડઘો સાંભળી રહ્યો.