પૃષ્ઠ:Bansari.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬: બંસરી
 

'હવે આજ્ઞાનું ઉલ્લંઘન થશે તો તું જ વીંધાઈ જઈશ. જો, પાછળ જો.'

પેલી સ્ત્રીએ પાછળ સહજ જોયું; તેના કાન ઉપર રિવોલ્વરની નળી તાકી એક માણસ ઊભો હતો. રિવોલ્વર માર્યા સિવાય તેનું ચાલે એમ નથી તેની ખાતરી થઈ. તેણે બીજી પાસ જોયું, ત્યાં પણ એવી જ રીતે રિવૉલ્વર તાકી બીજો માણસ ઊભો હતો. મને લાગ્યું કે એ બીજો માણસ તે છેલ્લો અંદર આવીને ઊભેલો માણસ જ હતો. સ્ત્રીએ ફરી રિવોલ્વર તાકી. હવે મારી છેલ્લી ઘડી ખરેખર આવી હતી એમ મેં માન્યું અને રિવોલ્વર ફૂટી; મેં આંખો મીંચી દીધી. મને ગોળી વાગી અને હું શબ બની ઝાડ ઉપરથી જાણે પડ્યો જ એમ ધાર્યું ! એક, બે, ત્રણ, ચાર અવાજ થયા તે મેં ગણ્યા. પણ જરા રહીને મેં આંખ ઉઘાડી. મને હજી સુધી ગોળી વાગી નહોતી, અને હું જીવતો છું એવી મારી ખાતરી થઈ ! ઓરડાની અંદર ખૂબ ધમાધમી ચાલતી મેં સાંભળી. મેં દૃષ્ટિ અંદર ફેંકી. પણ પેલી સ્ત્રી એક ખૂણામાં કંપતી આંખે હાથ દબાવતી ઊભી હતી. કર્મયોગી અદૃશ્ય થઈ હતા. ત્રણ માણસો એક માણસની સાથે મારામારી કરતા મારા જોવામાં આવ્યા. પેલો છેલ્લો આવેલો મનુષ્ય બીજા ત્રણેની સામે બાથ ભીડી ઊભો હતો. બે માણસોએ તેને મજબૂતીથી ઝાલ્યો હતો. છતાં તેણે ત્રીજો માણસનો હાથ પકડી, તેને આમળી નાખી, એ હાથમાં રહેલી રિવોલ્વર નીચી નમાવી દીધી હતી. તેને બાઝેલા બંને માણસો તેને નીચે પાડવા ઘણું મંથન કરી રહ્યા હતા, છતાં તેણે રિવોલ્વર પકડનાર માણસના હાથને એવો ઝટકો આપ્યો કે રિવોલ્વર તેના હાથમાંથી પડી ગઈ. પડતાં પડતાં રિવોલ્વર ફૂટી, પરંતુ તેથી કોઈને ઈજા થઈ નહિ.

હાથને લાગેલા ઝટકાનું જોર એટલું બધું હતું કે રિવોલ્વર ઉપર જ માણસ ગબડી પડ્યો. બીજા માણસોએ પણ એટલું જોર કર્યું કે પેલા માણસને જમીન ઉપર ઢસડી પાડ્યો. નીચે પડ્યે પડ્યે કોણ જાણે તેણે શી કરામત કરી કે એ બંને મનુષ્યો તેના ઉપરથી ઊછળી ધબાકા સાથે જમીન ઉપર અથડાઈને પડ્યા. છૂટો થયેલો માનવ ઊભો થયો તેવા જ બીજા ચાર માણસ ઓરડામાં દાખલ થયા અને પેલા માણસને પકડી લેવા તેની સામે થવાનો દેખાવ કરવા લાગ્યા. એ માણસ તો જાણે ગમે તેટલા દુશ્મનો માટે તૈયાર થયો હોય એમ લાગ્યું. મને થયું કે આ કોઈ બહારનો માણસ છે; અંદરની કર્મયોગીની ટોળી સામે થવા માટે તે સજ્જ થયેલો છે, અને એણે જ સ્ત્રીએ તાકેલી અને મારેલી રિવૉલ્વર કોઈ પણ રીતે મારા તરફથી ફેરવાવી નાખી હોવી જોઈએ. પેલી સ્ત્રી પાસે મને વીંધાવી નાખવા ધમકી આપવા અર્થે સ્ત્રીની બંને બાજુએ રિવોલ્વર લઈ ઊભેલા બે માણસોમાંનો