પૃષ્ઠ:Bansari.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮: બંસરી
 

તત્કાળ મેં એક ગોળી છોડી. અવાજ થતાં જ પેલો માણસ જમીન ઉપર બેસી ગયો. મને લાગ્યું કે ગોળી આબાદ તેના પગમાંથી પસાર થઈ ગઈ. કોઈને પણ મારવાનો એક વખત પ્રસંગ પડતાં એ કાર્યમાં મજા પડે છે; શિકારીઓને સંખ્યાબંધ પ્રાણીઓનો વધ કરવામાં કેમ રસ પડતો હશે તેની મને ઝાંખી થઈ. મનુષ્ય સ્વભાવે હિંસક પ્રાણી છે એમ મને લાગ્યું. પેલા માણસને પડતો જોઈ મને કાર્ય સફળતાનો આનંદ થયો. ગર્વથી હું બોલી ઊઠ્યો :

‘કેમ ? બીજા કોઈને હિંમત કરવી છે ?' કોઈએ જવાબ આપ્યો નહિ. સઘળી બાજી જાણે મારા જ હાથમાં ન હોય એમ વિજેતાની ભૂમિકાનો અનુભવ કરવા લાગ્યો અને વધારે બોલ્યો :

‘આ તો માત્ર પગમાં જ ઘા કર્યો છે, પણ હવે ખસનારને હું જાનથી મારીશ.’

થોડી ક્ષણ મેં રાહ જોઈ. કોઈ ખસ્યું નહિ. મારી ધમકીની બરાબર અસર થઈ હોય એમ મને લાગ્યું. મેં કહ્યું :

‘હવે બધા જ આ ઓરડામાંથી બહાર નીકળી જાઓ.... એકએક ! હાં, એમ.’

બારણાની બાજુનો માણસ પહેલો ચાલ્યો અને બારણું ઉઘાડી બહાર નીકળી ગયો. પછી બીજો, ત્રીજો એમ ધીમે ધીમે સઘળા માણસો બહાર નીકળી ગયા. માત્ર ઘાયલ થયેલા મનુષ્યથી ઝડપથી ખસાય એમ નહોતું. પરંતુ તેની મુશ્કેલીમાં મને મજા પડવા લાગી હતી. દુશ્મનનું દુ:ખ જોઈ રાજી થવાની અધમ વૃત્તિ કેમ જાગૃત થાય છે અને કેમ વિકાસ પામે તેનો હું પદાર્થપાઠ રજૂ કરતો હતો. તેણે લાચારીથી બારી પાસે જોયું. હું સમજ્યો કે તેનાથી ખસાતું નહોતું તેથી મારી દયા માગી. તે ત્યાં જ પડી રહેવા માગે છે. પરંતુ દુશ્મન ઉપર દયા કરવી એ લગભગ અશક્ય છે.

‘કેમ તું હજી ખસતો નથી કે ?’ મેં એ ઘાયલ થયેલા પુરુષને કહ્યું.

‘મને પગે વાગ્યું છે.' તેણે જરા નરમાશથી કહ્યું.

‘પગે વાગ્યું હોય તો હાથે ચાલ.' મેં તેને હુકમ કર્યો. પોતાની દયા ઉપર જીવનારને આપણે ગમે તેવા અશક્ય હુકમો આપીએ છીએ.

પેલો બચાવનાર પુરુષ હવે નીચો વળ્યો, અને ઘાયલ થયેલા પુરુષને પગે હાથ ફેરવવા લાગ્યો. તેના પગમાંથી લોહી નીકળતું હતું. તેણે ખિસ્સામાંથી એક રૂમાલ કાઢી ઘાયલ થયેલા પુરુષને પગે પાટો બાંધ્યો. ઘાયલ થયેલો પુરુષ આભારની દૃષ્ટિએ પોતાના સામાવળિયા તરફ જોઈ