પૃષ્ઠ:Bansari.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો રક્ષક : ૭૯
 

રહ્યો હતો. સમય જતો જોઈ મેં ફરી બૂમ મારી :

‘કેટલી વાર કરે છે ? ચાલ, અહીંથી બહાર જા; નહિ તો...’

એટલામાં પેલા પુરુષે ઘાયલ પુરુષને ઊંચક્યો અને બારણા બહાર તેને મૂકી દીધો. અત્યાર સુધી તેનું મુખ મને દેખાતું નહોતું. હવે બારણા ભણીથી પાછો ફરતા મને તેનું મુખ દેખાયું. મને થયું કે હું આને ઓળખું છું. પણ એટલામાં તો તેણે મુખને એવી રીતે ફેરવી નાખ્યું કે એક થાંભલાના પડછાયાની અંદર તે આવી ગયો.

મને આશ્ચર્ય લાગ્યું. તેને મારવા આવેલા પુરુષને ઘાયલ કરી મેં તેનું રક્ષણ કર્યું હતું, કારણ પ્રથમ તેણે જ મારું રક્ષણ કર્યું હતું એમ મારી માન્યતા હતી. હવે એ પોતાના દુશ્મનને જ પાટો બાંધી તેને દુઃખ ન થાય એ અર્થે ઊંચકી બારણાની બહાર મૂકી દે છે એ બહુ નવાઈ જેવું લાગ્યું. એ કોના પક્ષનો માણસ હોવો જોઈએ ? પેલી સ્ત્રીએ મને મારી અને આંખ મીંચી તે વખતે એણે નહિ તો કોણે તે સ્ત્રીનો હાથ ફેરવી નાખ્યો હશે ? જો તેણે ન ફેરવ્યો હોય તો ઓરડામાં બધા મનુષ્યો તેની સામે શા માટે થયા ? અને જો તેણે મને બચાવી આ બધાનો કોપ વહોરી લીધો હતો. તો પછી તેના સામાવળિયામાંથી એક ઘાયલ થયેલા સાથે આટલું બધું કાળજીભર્યું વર્તન શા માટે રાખે ?

હું ખરેખર વિચારમાં પડ્યો, આ પુરુષને પણ અહીંથી રિવૉલ્વરનો ડર બતાવી હાંકી કાઢવો કે તેને ઓરડામાં જ રાખી તેની સાથે વાતો કરી માહિતી મેળવવી તેનો હું ક્ષણભર વિચાર કરવા લાગ્યો. એટલામાં મેં મારા નામનું સંબોધન સાંભળ્યું :

‘સુરેશ !’

હું ખરેખર ચમક્યો. આ સ્થળે મને આ પ્રમાણે ઓળખીને બોલાવનાર કોણ હતો ? ઓરડામાંથી જ અવાજ આવ્યો હતો. મેં ચારે પાસ જોયું. પેલો પુરુષ અને સ્ત્રી એ બે જ ઓરડામાં ઊભેલાં હતાં. ફરી મેં અવાજ સાંભળ્યો :

‘સુરેશ ! હું જાઉં કે રહું ?'

મારો પરિચિત અવાજ ! જ્યોતીન્દ્રનો અવાજ ! તો શું મને બચાવનાર જ્યોતીન્દ્ર હતો ?

‘કોણ જ્યોતીન્દ્ર ? તું અહીં છે ?'

‘હાસ્તો.' થાંભલાના પડછાયામાં મને બચાવનાર પુરુષે બહાર નીકળી કહ્યું. મારી સામે હવે તેનું મુખ પૂરેપૂરું દૃષ્ટિમાં આવ્યું. ખરે, એ જ્યોતીન્દ્રનું જ મુખ હતું !