પૃષ્ઠ:Bansari.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંધકારમાં અજાયબી : ૮૩
 

તમારાથી થાય શું ? ગણગણાટ કર્યે જાઓ. !’ જ્યોતીન્દ્ર બોલ્યો. અંધારામાં કોણ જાણે કેટલાયે માણસોની સામે તે આવી જબરજસ્ત હિંમત દર્શાવતો હતો ! મને સાનંદાશ્રર્ય થયું.

‘ચારે પાસેથી હવે તું ઘેરાયો છે. બોલ્યા કર. તું અમારી પાછળ પડ્યો છે એ અમારી જાણ બહાર નથી જ. પણ હવે જ તને ખબર પડશે.' કોઈકે જ્યોતીન્દ્રને ધમકી આપી. જ્યોતીન્દ્ર જરા હસ્યો અને બોલ્યો :

‘તમને ખબર તો છે કે હું ગોળી બરાબર તાકી શકું છું.’

મને નવાઈ લાગી. કદી હથિયાર ન પકડનાર, અહિંસાના સિદ્ધાંતનો ઘડી ઘડી બોધ કરનાર જ્યોતીન્દ્ર ગોળીની ધમકી કેમ આપતો હશે ? નાનપણમાં તેની નિશાન તાકવાની શક્તિ અદ્ભુત ગણાતી હતી. તે હું જાણતો હતો, પરંતુ પાછલા ભાગમાં મેં તેને હથિયારબંધ કદી જોયો નહોતો.

‘અંધારામાં શું ધૂળ તાકવાનો છે ?’ એક જણે તિરસ્કારથી કહ્યું.

‘તમે બધા એવા ભસનારા ભેગા થયા છો કે તમને મારવા એ જરા પણ મુશ્કેલ નથી. તમે કેટલા જણ છો તે કહું ? તમે મારાથી કેટલાં ડગલાં દૂર છો તે જણાવું ?’ જ્યોતીન્દ્ર પૂછ્યું.

બધા એકાએક શાંત પડી ગયા. જ્યોતીન્દ્રની ગોળી મારવાની શક્તિ સહુએ જાણે સ્વીકારી હોય એમ લાગ્યું. થોડી વાર સુધી સહુ શાંત રહ્યા. જરા રહી જ્યોતીન્દ્ર બોલી ઊઠ્યો :

‘કેમ ? કેમ ? તમારામાંથી ત્રીજો માણસ કેમ આગળ ડગલું ભરે છે?...પહેલો માણસ હાથ હલાવે છે, ખરું ? મારી સાથે જરાપણ ચાલાકી નહિ ચાલે. હું અંધારામાં પણ તમને દેખી શકું !...એમ. બધા હાલ્યાચાલ્યા વગર ઊભા રહો. મારા બંને હાથમાં પિસ્તોલ છે, અને કોઈ સહજ પણ હાલશો તો તત્કાળ માર્યા જશો !’

મને જ્યોતીન્દ્ર એક અદ્દભુત પુરુષ લાગ્યો. આવા અંધકારમાં કયો માણસ હાલે છે અને ક્યો માણસ કેટલાં ડગલાં ભરે છે, એ કહેવું એ મને તો અશક્ય જ લાગતું હતું; છતાં જ્યોતીન્દ્ર જાણે અંધારામાં નિહાળતો હોય એમ વાતો કરતો. સામા માણસોની ઝીણામાં ઝીણી હીલચાલ તેની દૃષ્ટિ આગળ ખુલ્લી થઈ જતી હોય એમ મને લાગ્યું.

‘જુઓ. કુંજલતાને અહીંથી લઈ ગયા એ ઠીક કર્યું.’

એક જણ હસ્યો; એક જણે દાંત પીસ્યા. હસનારું માણસે કહ્યું :

‘ખોટી વાત, તું જુઠ્ઠો ડરાવે છે ! કુંચલતા તો આ રહી.’