પૃષ્ઠ:Bansari.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ : બંસરી
 


‘આના કરતાં વધારે અંધકારવાળી જગાઓમાં હું ફર્યો છું અને તમારા કરતાં વધારે ભયંકર માણસો સાથે મેં બાથ ભીડી છે. એટલે જરા પણ સમજાવશો નહિ. કુંજલતા અહીં છે જ નહિ. એને તો ક્યારના તમે લોકો બહાર ઘસડી ગયા છો. મેં એને જવા પણ દીધી. છતાં તમે મને ખોટો પાડવા માગો છો, હરકત નહિ. તમારું કહેવું ખરું માનું છું અને કુંજલતાની જોડમાં ઊભેલા માણસને હાલ જ હું વીંધી નાખું છું.’ જ્યોતીન્દ્ર બોલ્યો.

ઓરડામાં પગ ખસવાનો અવાજ આવ્યો. બધા જાણે ગભરાઈને જરા જરા આઘા ખસતા હોય એમ લાગ્યું. દરેકને ગોળી પોતાને વાગશે એવો ડર લાગ્યો.

‘કેમ ? બધા ગભરાઓ છો ? હા હા હા ! બેવકુફો ! તમને ખબર નથી કે બૈરાંનો પગ એકદમ પરખાઈ આવે છે ? ક્યાં છે. કુંજલતા ! પેલા ગૃહસ્થનું મોં તો જુઓ ! બસ ? લોહી ઊડી ગયું ? નહિ, આંખો નહિ મીંચો. હું તમને ચેતવણી આપ્યા સિવાય મારવાનો નથી. બોલો, પહેલો કોણ તૈયાર થાય છે ?’ જ્યોતીન્દ્રે પૂછ્યું.

ભર અંધારામાં ચાલતું આ નાટક જ્યોતીન્દ્રની વાણીને લઈને જાણે હું નજરે જોતો હોઉં એમ લાગ્યું.

‘કેમ, તૈયારી કરી નહિ ? ચાલો, આગળ આવો... તમારા ખિસ્સામાં ઘડિયાળ છે, ખરું? ના ના, તારું હૃદય ધબકે છે. કેમ, મેં કેવી રીતે જાણ્યું?

એ ધબકારો હું અહીંથી સાંભળી શકું છું. બસ, હવે ત્રીજા ક્રમવાળાને તૈયાર રહેવા જણાવું છું. એક...બે...’

દીવાનો પ્રકાશ એકાએક થઈ ગયો; કર્મયોગીએ પ્રવેશ કર્યો. કર્મયોગી અને જ્યોતીન્દ્ર બંને સામે સામે આવીને ઊભા કર્મયોગીની આંખમાંથી ઝેર વરસતું દેખાયું. જ્યોતીન્દ્ર હસ્યો :

‘ગુરુ મહારાજ ! નમસ્કાર.’

‘સદાય નમસ્કાર કરતો જ હું તને રાખીશ.’

‘સંતપુરુષોને નમસ્કાર કરવામાં ક્યાં નાનમ છે ?’

એવામાં મારી નીચેથી ટોર્ચનો પ્રકાશ મારા ઉપર પડ્યો. એક જણ નીચેથી બોલી ઊઠ્યો :

‘અહીં જ છે.'

મેં જોયું કે પોલીસના માણસો આવી રહ્યા છે, કારણ કે તેણે આટલું બોલી પોલીસના જેવી સિસોટી વગાડી.