પૃષ્ઠ:Bansari.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬: બંસરી
 


‘અરે, આ ગાંડો માણસ કોને અંદર મારે છે ? એ... મિ. સુરેશ ! તમારી પિસ્તોલ હોય તે પાછી ફેરવો, નહિ તો હું અહીંથી તમને વીંધી નાખીશ. તમને માણસ મારવાનો રોગ થયો હોય એમ લાગે છે.' ઘેલા બાકી રહી ગયું હતું તે પૂરું થયું, અને માણસ મારવાના રોગનો સ્વપ્ને પણ ધાર્યો નહોતો તેની પોલીસને ખાતરી થઈ. મને રીસ તો ઘણી ચડી; મારી રિવોલ્વર જાળીમાંથી કાઢી લઈ, હિંમતસિંગને મારી, મારા રોગની તેને ખાતરી કરાવવાની મને તીવ્ર ઇચ્છા થઈ આવી. કોણ જાણે શી રીતે જ્યોતીન્દ્ર મારી ઇચ્છા વાંચી ગયો. તેણે તત્કાળ કહ્યું :

‘એ બેવકૂફ ! પાછો કોઈ પોલીસને મારીશ નહિ, હો ! તું વધારે મુશ્કેલી ઊભી કરતો ન જા. મારું કહ્યું માની પોલીસને તાબે થઈ જા.'

'પણ પછી તારું શું ?’

‘મારે માટે ઊંચો જીવ ન કરવા મેં તને કહ્યું જ છે. હું આ કર્મયોગી મહારાજને તાબે થઈ જઈશ.’

એવામાં પાછળથી કોઈએ મારો પિસ્તોલવાળો હાથ ઝાલ્યો. હાથ એવો મજબૂતીથી ઝાલ્યો કે હું આશ્ચર્ય પામી પાછું જોવા લાગ્યો. પ્રાત:કાળ થવા આવ્યો હતો. અંધારું આછું થતું જતું હતું અને કોઈ ન સમજાય એવો ઝાંખો અસ્પષ્ટ પ્રકાશ ફેલાવા માંડ્યો હતો. પાછળ જોતાં એક પોલીસનો માણસ મને તથા મારા હાથને મજબૂતીથી પકડી ડાળી ઉપર બેઠો હતો. મારાથી જોર થાય એવું નહોતું; કાં તો હું કે કાં તો પોલીસ નીચે જમીન ઉપર પડીએ એવી સ્થિતિ હતી. પોલીસે મને જે બળથી ઝાલ્યો હતો તે બળનો વિચાર કરતાં તેનાથી સહજ છૂટા થવાય એમ નહોતું.

મેં તેને કહ્યું :

‘તમે મને પકડ્યો. તેની હરકત નહિ. હું તો તમારે તાબે હું જ; પણ અંદર જુઓ, જ્યોતીન્દ્રની સામે કેટલા માણસો થયા છે તે જાણો છો?'

હિંમતસિંગે નીચેથી પોલીસના માણસને બૂમ મારી કહ્યું :

‘એની કશી વાત ગણકારશો નહિ. જરા પણ છોડશો તો તમને મારી નાખશે. મેં બીજો માણસ તમારી મદદે મોકલ્યો છે.'

દરમિયાન બીજી ડાળી ઉપરથી બીજો માણસ ઊતરી આવી મારી ડાળી ઉપર બેઠો.

જાળીમાં જોયું તો બીજા બધા માણસો પસાર થઈ ગયેલા જણાયા, માત્ર જ્યોતીન્દ્ર અને કર્મયોગી એ બે જ સામસામે ઊભા હતા. કર્મયોગીએ