પૃષ્ઠ:Bansari.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની છેલ્લી ક્ષણ : ૮૭
 

પોતાનું સ્થળ છોડ્યું જ નહોતું. પ્રથમ પ્રવેશ વખતે તે જ્યાં ઊભો હતો ત્યાં ને ત્યાં જ તે હજી ઊભો હતો. મેં હિંમતસિંગને કહ્યું : ‘હિંમતસિંગ ! તમને મારી રિવૉલ્વરનો ડર રહેતો હોય તો જુઓ આ મેં નીચે ફેંકી.' એમ કહી મારા પકડાયલા હાથમાંથી રિવોલ્વર મેં જમીન ઉપર ફેંકી દીધી. 'હવે મને પકડવા કરતાં અંદર જ્યોતીન્દ્ર છે તેને બચાવવા તરફ લક્ષ રાખો. એ આ ભયંકર મકાનમાં એકલો જ છે.’

‘હું જ્યોતીન્દ્રને ઓળખું છું. પોલીસ કમિશનરનું નામ ખોટું દઈ, ટેલિફોનમાં ખોટો હુકમ આપી. એમણે જ તમને મારે કબજેથી છોડાવ્યા હતા. હવે તમે પકડાયા છો એટલે તમને છોડવાના નથી, અને બીજી બાબતોમાં ધ્યાન પણ મારે આપવું નથી. જ્યોતીન્દ્ર એનું ફોડી લેશે.' હિંમતસિંગે કહ્યું.

એવામાં કર્મયોગી ઊભો હતો. તે સ્થળ જાણે નીચે જતું હોય એમ લાગ્યું. જોતજોતામાં કર્મયોગી નીચે ઊતરતો અદૃશ્ય થઈ ગયો, અને આખી ઓરડીમાં જ્યોતીન્દ્ર એકલો જ રહ્યો. તેણે જરા થડકતા અવાજે કહ્યું :

‘જો, સુરેશ ! મેં તને નાસી જવા કહ્યું હતું તે જ વખતે તું નાસી ગયો હોત તો આ પોલીસ તને પકડવામાં ન રોકાતાં આ મકાનમાં મારી સહાયે આવત. હજી પણ તું વાર ન કરીશ. જા, મને એકલો રહેવા દઈ મારા બચવાનો પ્રયત્ન કરવા દે.'

‘અરે, પણ આ તો આખો માળ ઊંચો ચઢતો લાગે છે !’ હું પોકારી ઊઠ્યો.

ખરે, જે જમીન ઉપર જ્યોતીન્દ્ર ઊભો હતો તે ઊંચે ને ઊંચે ચઢતી લાગી. આખા માળા સાથે જ્યોતીન્દ્ર પણ ઊંચકાયે જતો હતો. છતની સાથે કચરાઈ તે છેવટે મરી જશે કે શું ? મને ભય લાગ્યો. હું એકદમ થથરી ઊઠ્યો. આમ ઘાતકી રીતે જ્યોતીન્દ્રનું મૃત્યુ થાય અને હું બહારથી કાંઈ પણ કરી શકું નહિ એ મારી સ્થિતિની મૂંઝવણ મને અસહ્ય થઈ પડી. શું કરું ? કોને બોલાવું ? જ્યોતીન્દ્રને કેમ બચાવું ?

‘જ્યોતીન્દ્ર, જ્યોતીન્દ્ર ! હું શું કરું ?' મારાથી બોલાઈ ગયું. જોતજોતામાં તો માળ અડધો ઊંચકાઈ ગયો હતો. જ્યોતીન્દ્રનું મસ્તક હવે થોડા વખતમાં છતની સાથે અથડાશે એમ લાગ્યું. જ્યોતીન્દ્રે જરા સ્મિત કર્યું; એ સ્મિત જરા ફિક્કું હતું એમ મને લાગ્યું.