પૃષ્ઠ:Bansari.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની છેલ્લી ક્ષણ : ૮૯
 


‘હું ઇચ્છું કે આ સ્વપ્ન હોય. ઓ હિંમતસિંગ ! તમારામાં જરા પણ માણસાઈનો ગુણ હોય તો તમે બધા જ આ ઘરની અંદર જાઓ. એક ભયંકર યંત્ર વચ્ચે જ્યોતીન્દ્રને કર્મયોગી કચરી નાખે છે !'

મેં આજીજી કરી કહ્યું, પરંતુ મને ગાંડો ગણી કાઢેલો હોવાથી મારી વિનંતિ તરફ તેમનું લક્ષ ગયું નહિ. ખૂનનો આરોપી, પોલીસના દેખતાં ગોળીબાર કરતાં પકડાયેલો અને તેમનાથી નાસી ભયંકર અંધકારમાં એક ઝાડની ડાળી ઉપર ટીંગાઈ, કોઈ ખાનગી ઘરની જાળીમાં ડોકિયાં કરી રિવોલ્વર તાકી સહુને ધમકી આપનાર એક ગુનેગારને કોઈનું ખૂન વગર બૂમે થાય છે એમ કહે એ કોણ માને ? કદાચ આ સઘળું દૃશ્ય હું મારી નજરે જોતો હોત અને મને કોઈ આ પ્રમાણે કહેત તો હું જ એ વાત માનત કે કેમ એ પ્રશ્ન છે. હિંમતસિંગને તો જ્યોતીન્દ્રનું કર્મયોગી ખૂન કરે છે, એ વિચાર આવવો જ મુશ્કેલ હતો. એ નહોતો કર્મયોગીને જોતો કે નહોતો જોતો જ્યોતીન્દ્રને. અંદરથી બૂમ કે ધાંધળનો કશો અવાજ આવતો નહોતો. કાંઈ પણ સૂચના આપ્યા વગર જેમ નસીબ માનવીને ઘેરી લે છે, તેમ ચારે પાસથી દીવાલો સાથે ઊંચે ચડતો માળ પ્રત્યેક ક્ષણે છતની સાથે જ્યોતીન્દ્રને કચરી નાખવા વગર અવાજે ઊંચે ચઢ્યે જતો હતો. બહારના મનુષ્યો માત્ર મને જ જોતા હતા. હું જાળીને છોડી શકતો નહોતો. મને પકડીને બેઠેલો માણસ મારી પાછળ હોઈ તેનાથી જાળીમાં નજર નખાય એવી હતી જ નહિ. જે માણસ તેની સામે ડાળી ઉપર ચડી બેઠો હતો. તે ડાળ બીજી હતી; એટલે મારા કથનને કોઈ માને એવી કોઈ પણ સ્થિતિ હતી જ નહિ. મારા ઉપર વધારે જોર વપરાય અને કદાચ હું નીચે પડું તો આરોપીને જીવતો પકડવાનું માન હિંમતસિંગ ખોઈ બેસે એટલે મને નીચે ઉતારવા અતિશય જોર થતું નહોતું; જોકે મને પકડવામાં પોલીસના માણસે ઓછું જોર વાપર્યું ન હતું.

છતની નીચે માળ વચ્ચેનું અંતર ઘણું જ ઓછું થઈ ગયું. જ્યોતીન્દ્ર નીચે બેસી ગયો. નીચે બેસી તેણે હાથ ઊંચો કર્યો, તે છતને અડક્યો. તેના મુખ ઉપર ફિક્કાશ લાગવા છતાં ગભરાટ જરા પણ દેખાતો નહોતો. તેની આંખ પ્રથમ જેવી જ સચેત અને જીવંત હતી. હું નિરાધાર પ્રેક્ષક તરીકે આ ક્રૂર પ્રસંગ નજરે જોતો હતો. એવામાં જ્યોતીન્દ્રે મને પૂછ્યું :

‘સુરેશ ! તારી પાસે ધારવાળું કાંઈ હથિયાર છે ?’ મારી પાસે કશું જ હથિયાર નહોતું. મેં એ વાત તેને જણાવી એટલું જ નહિ પણ મારી પાસે ઊભેલા પોલીસને પણ મેં કહ્યું :

‘જુઓ, સાંભળો.'