પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩. બાપુનાં પારણાં : મહાત્મા ગાંધીએ આગાખાન મહેલમાં જે અનશન કરેલ તેને નિમિત્તે તેમનાં વિશેનાં કાવ્યો ગીતોનો નાનો સંગ્રહ.

૪. સાંબેલાં : દેશના ચાલુ રાજકારણને તેમજ જાહેર જીવનને સ્પર્શતાં હળવા કટાક્ષયુકત કાગળોનો સંગ્રહ.

પ અજબ દુનિયા : આલમની અજાયબી જેવી વૈજ્ઞાનિક અને કુદરતી વિચિત્રતાઓનું દર્શન.

૬ તણખલાં : પોતાનાં રોજિદાં દર્દીઓની દુનિયામાં, એક દાક્તરે, ધંધાએ દૃષ્ટિના પરદાની પાછળ પેસીને જે ઊંડા માનવમર્મોનું દર્શન કર્યું છે તેનું શબ્દ દ્વારા કલાત્મક નિરૂપણ કરી આપણને વાર્તાઓ પર વાર્તાઓ આપી છે.

પ્રસિદ્ધિ ટાણે આ બારે પુસ્તિકાઓ સારી પેઠે લોકપ્રિય બની હતી. પણ તેની લેખનસામગ્રી તકલાદી પ્રકારની નહોતી. ચિરસ્થાયી અંશો પર એ લેખનની માંડણી થઈ હતી. એથી એ પુસ્તિકાઓ કાયમી સ્થાન પામી છે.

એવા જ પ્રકારની નવી શ્રેણીઓ તાજેતરમાં અમે ચાલુ કરી છે. એકનું નામ ‘વહેતાં પાણી વાચનમાલા’ છે, ને બીજીનું નામ 'ઉલ્લાસ સાહિત્ય શ્રેણી’ છે. પહેલી કહી તેમાં ચાલુ જીવનમાં બની રહેલી ક્રાંતિકારી ઘટનાઓને લક્ષ્યબિન્દુમાં રાખી તે તે વિષય પર અભ્યાસ-યુક્ત સાહિત્ય અપાય છે. દૃષ્ટાંત લેખે લાલ કિલ્લાનો મુકદ્દમો, જય ઈન્ડોનેશિયા, અને ત્રીજું પ્રકટ થનાર હિન્દનો સાગર-સૈનિક. બીજી શ્રેણીમાં નવું અક્ષરજ્ઞાન મેળવનાર મોટી ઉમ્મરનાં માણસોને લક્ષ્યમાં રાખીને તેઓ સહેલાઈથી વાંચી શકે એટલું જ નહિ પણ એ વાંચીને જીવનમાં રસ, ઉલ્લાસ, સ્ફૂર્તિ અનુભવી શકે તેવી વાચન સામગ્રી મોટાં બીબામાં છપાવીને અપાય છે. દાખલા તરીકે 'સંત દેવીદાસ’; 'ચપટી ધૂળ’, ને ત્રીજું પ્રકટ થનાર 'સંસાર’.

આ સર્વના પ્રકાશકો હાલમાં ભારતી સાહિત્ય સંઘ્ છે. આગલી ફૂલછાબ સાહિત્ય શ્રેણીના પ્રેમીજનોને ખાસ ભલામણ છે કે અમે શરૂ કરેલી આ નવી બે વાચન-માલાઓનો પણ પરિચય કરે.

બોટાદ : ૧૯૪૬
ઝવેરચંદ મેઘાણી