પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ મું
૧૯૨૧ની યાદ
 

 સાંભળેલું તે મને યાદ રહી ગયું છે. શ્રી. વલ્લભભાઈ એ કહેલું કે ‘બીજો કોઈ ન મળે તો મને આચાર્ય બનાવજો; છોકરાઓને ભણેલું ભુલાવી દઈશ.’ એ સાંભળી ગાંધીજી અને આખું મંડળ હસી પડેલું. પણ મને ખબર પડી ગઈ કે બીજા હસ્યા અને ગાંધીજી હસ્યા એમાં તફાવત હતો. જ્યારે બીજાઓ મશ્કરી સમજીને હસ્યા, ત્યારે ગાંધીજી તો એમ સમજીને હસ્યા હતા કે વલ્લભભાઈ કહે છે તે જ તદ્દન ખરી વાત છે.

ત્યારપછી આપણે જોયું છે કે અનેક રાષ્ટ્રીય શાળાઓ દેશમાં નીકળી અને થોડોથોડો વખત રહીને ઊઠી ગઈ. એ ઊઠી ગઈ એમાં મને જરાયે નવાઈ લાગી નથી. કારણ કે એ શાળાઓ બધી સરકારી શાળાઓના જ બીબાં જેવી હતી, એના શિક્ષકો સરકારને ભણેલા હતા, રાષ્ટ્રીય કેળવણીને ભણેલા નહોતા; સરકાર પાસેથી જે ભણેલા તેને ભૂલીને આવેલા નહોતા.

એ વખતે જેના આચાર્ચ પદની લાયકાતને હસી કાઢવામાં આવી હતી તે જ આચાર્ય આજ બારડોલી તાલુકાની ૮૮ હજાર પ્રજાને ભણાવવાની શાળા કાઢી છે. તા. ૪ થીથી ૧૨ મી ફેબ્રુઆરી સુધી તેનો ઉપનયન સંસ્કાર થયો, વચ્ચે પ્રાયશ્ચિત્ત સંસ્કાર પણ થઈ ગયો, અને વેદારંભવિધિ તો હજી હવે શરૂ થઈ રહ્યો છે. સાચું જ્ઞાન આપવાનો આરંભ થઈ રહ્યો છે. સરકાર કે જેણે રાષ્ટ્રીયતાનું ભાન ભુલાવ્યું તેને ભૂલવાનો પાઠ અપાઈ રહ્યો છે. ખોટું ભણેલું ભુલેલા એક ગુરુ પાસે ભણીને જે આચાર્ય પદે આરૂઢ થયા છે એવા પુરુષ આ રાષ્ટ્રીય શાળાના આચાર્ય છે. અબ્બાસસાહેબ અને પંડ્યાજી જેવા તેના ઉપાધ્યાયો છે. હું તો તે શાળાનો ક્ષુદ્ર તેડાગર છું.

પહેલો પાઠ સરકારને ભૂલવાનો પૂરો થયો છે, હવે આ રાષ્ટ્રીય ભણતરમાં બીજો પાઠ આપભોગનો શરૂ થશે.

પાઠ્યપુસ્તક બારડોલી તાલુકાની ભૂમિ છે, રાત્રિ અને દિવસ તેનાં પૃષ્ઠો છે. એ પૃષ્ઠો ઉકેલી ઉકેલી નિત્ય નવા અનુભવના પાઠો બારડોલીના નિશાળિયાઓ ભણી રહ્યા છે.”