પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩ મું
ખેડૂતોના સરદાર
 


અને પોતાના એ વર્ણનને વધારેમાં વધારે મળતા આવે એવા ખેડૂત અને ખેડૂતાણીઓ અથવા કણબી અને કણબણો એમને બારડોલીમાં જોવાનાં મળ્યાં, એટલે એમનું હૃદય બારડોલીમાં વિશેષ દ્રવવા માંડ્યું. એ લોકોની ધર્મશ્રદ્ધા, એ લોકોની પ્રતિજ્ઞાપાલનને માટેની તીવ્ર લાગણી જોઈને શ્રી. વલ્લભભાઈમાં પણ એકવારની ઊંડી ઈશ્વરશ્રદ્ધા જે અમુક કાળ સુધી લુપ્ત થઈ હતી તે પાછી જાગૃત થઈ. ગાંધીજીએ એકવાર કહ્યું હતું તેમ વલ્લભભાઈ ને બારડોલીમાં વલ્લભ મળ્યા. આ વસ્તુમાં વલ્લભભાઈની ખેડૂતની સરદારીનું રહસ્ય રહેલું છે. બારડોલીનાં કણબીઓ અને કણબણો વલ્લભભાઈ ઘેલાં થયાં હતાં, એ વાત સાચી; પણ વલ્લભભાઈ પણ બારડોલીમાં આવીને ખેડૂઘેલા થયા.

‘જયાં જઈશું ત્યાં જમીન મળશે, પણ ખેડૂતની પ્રતિજ્ઞા તૂટશે તો ધરતી પર વરસાદ આવવાનો છે શું ? ખેડૂત પ્રતિજ્ઞા ન પાળે તો પૃથ્વી રસાતળ થઈ જાય.’ આ વસ્તુનું દર્શન જેવું સરદારને થયું હતું તેવું જ દર્શન સરદારઘેલા ખેડૂતોને તેમણે કરાવ્યું. જ્યારે જ્યારે ખેડૂતને તેની દશાનું ભાન કરાવતા, તેને મીઠા ઠપકા દેતા અને તેના ઊંચા સ્થાનનું સ્મરણ કરાવતા સરદારનો વિચાર કરું છું, ત્યારે ત્યારે જેમ ખેતરને સાફ કરી સુંદર ચાસ પાડી તેમાં ઊભેલો ખેડૂત પેલા ખેતર વડે શોભે છે, અને ખેતર તે મહેનતુ ખેડૂત વડે શોભતું લાગે છે, તેમ બારડોલીના ભોળા ખેડૂતોને તેમના સરદારથી શોભતા, અને ‘આબરૂની ખેતી કરાવનાર’ એ સરદારને પેલા ખેડૂતોથી શોભતા જોઉં છું.

‘ખેડૂતોના સરદાર’ શબ્દ વપરાયો ત્યારે વલ્લભભાઈને કદાચ ન ગમ્યું હોય — દેશસેવકોને આવાં વિશષણો આપવામાં આવે છે એની એમને ચીડ છે — પણ આજે જો કોઈના સરદાર થવાનું શ્રી. વલ્લભભાઈ પસંદ કરતા હોય તો તે ખેડૂતના જ સરદાર થવાનું પસંદ કરે છે એ વિષે કશી શકી નથી.

પણ હવે સરદારનાં અને સરદારના સૈનિકોનાં પરાક્રમો તરફ પાછી વળીએ.