પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧લું
બારડોલી
 


અને ગાડાં ભાડે ફેરવે છે, અને પારસીઓ ઘણાખરા દારૂતાડીની દુકાનોવાળા છે અને ઘણી જમીનના માલિક છે.

ખેડા જિલ્લાનાં ગામડાંની સરખામણીમાં બારડોલીનું ગામડું વસ્તીમાં ઘણું નાનું કહેવાય. ખેડામાં કેટલાંક ગામ ૧૦,૦૦૦ સુધી વસ્તીવાળાં છે, જ્યારે બારડોલીમાં કસબાનાં ગામ સિવાય એવું મોટું એકે ગામ નથી, અને કેટલાંક ગામોમાં તો પચીસત્રીસ કે પાંચદશ ઘરો જ હશે. બારડોલીના પશ્ચિમ વિભાગનાં ગામડાંમાં વસ્તી કંઈક ઘીચ છે, પણ ખેડાના જેટલી ઘીચ વસ્તી તો ક્યાંય નથી. વાણિયા, બ્રાહ્મણ અને કણબીઓનાં ઘરોમોટાં નળિયેરી, આગલાં, અને પાછલાં બારણાંવાળાં અને મોટા વાડાવાળાં હોય છે. રાનીપરજ લોકો છૂટાછવાયાં ખેતરોમાં છાપરાં નાંખીને રહે છે. કણબીઓનાં ઘરો મોટાં માળ અને ઓટલાવાળાં હોય છે, પણ અંદર જુઓ તો ઉપર અને નીચે સળંગ ખંડો, માળ ઉપર ઘાસચારો, ગોતર અને દાણાનાં પાલાં ભરેલાં, અને નીચે ઘરના અરધા ભાગમાં ઢોરોનો વાસો. ગુજરાતમાં બીજે ક્યાંય આ પ્રથા જોવામાં આવતી નથી. જ્યાં લૂટફાટ અને ઢોરઢાંખરની ચોરી થતી હોય ત્યાં ઢોરને ઘરમાં રાખવાનું સમજી શકાય — જોકે જુદાં કોઢારાં રાખવાથી એ ગરજ તો સરે છે જ — પણ બારડોલી જ્યાં લૂટફાટ કે ચોરીનું નામ નથી ત્યાં મોટી હવેલી જેવાં દેખાતાં ઘરોમાં માણસો ઢોરની સાથે રહેવાનું કેમ પસંદ કરતાં હશે એ વાત અજાણ્યા માણસને આશ્ચર્ય પમાડે છે. સત્યાગ્રહની લડતમાં તો ઢોરોએ પણ અગત્યનો ભાગ ભજવ્યેા હતો, અને સ્વાસ્થ્ય અને સ્વછતાની વિરુદ્ધ લાગતી આ પ્રથા અણધારી રીતે સત્યાગ્રહને મદદ કરનારી થઈ પડી હતી એ જુદી વાત છે.

તાલુકાના આ બાહ્ય વર્ણનમાં એવી એકે વસ્તુ નથી કે જે એ તાલુકાને ગુજરાતમાં વિશેષ સ્થાન આપવાને કારણરૂપ ગણાય. પણ એ કારણો જોવાને માટે જરા અંતરમાં ઊતરવું પડશે.

બારડોલીને ભલે કોઈ જાણતું ન હોય, પણ ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહી સેનામાં અનેક કણબી, અનાવલા અને મુસલમાનો બારડોલીના હતા. આ બધા ગયા હતા તો ત્યાં