પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 જમાઈની હિંમતને લીધે ટકી રહ્યાં હોય, કદાચ આસપાસનાં વીર દૃશ્યો જોઈને પણ તેમનામાં હિંમત આવી હોય. ગમે તેમ હોય બંને જણ આખી લડતમાં ઠેઠ સુધી અડગ રહ્યાં. મુંબઈના અને બીજા પારસીઓની સહાનુભૂતિ સત્યાગ્રહીઓ તરફ ખેંચાઈ તેના મૂળમાં આ બે પારસી સત્યાગ્રહીઓનું અડગ કષ્ટસહન હતું.

દોરાબજી શેઠના રૂા. ૩૧૪–૧૪-૫ ના ખાતા બદલ બે હજારની કિંમતનો માલ જપ્ત થયો, દુકાને તાળાં પડ્યાં, પછી સરકારી પ્યાદાંઓએ પોતાની બેવકૂફી ધોઈ નાંખવાને માટે પાછી દોડાદોડ કરી, તાળાં ખોલીને દોરાબજીને દુકાન ન ચલાવવાને માટે સજા કરવાની ધમકી આપી; વળી પાછી ચડાઈ થઈ, કાણાં પીપો જપ્ત કરવામાં આવ્યાં અને પરિણામે દારૂ ઢોળીને નુકસાન કરવામાં આવ્યું. અને વળી પાછી ચડાઈ થઈ, દારૂ બીજા પીપોમાં ભરવામાં આવ્યો, અને એક ભાડૂતી માણસને તે પાણીને મૂલે વેચવામાં આવ્યો. ઉપરાંત ચાર પીપો જપ્તીમાં લેવાયાં. પણ આ બધું થયાં છતાં હજી રૂા. ૧૪૪-૬-૮ ની રકમ બાકી કાઢવામાં આવી, અને તેને માટે રૂા. ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ ની કિંમતની જમીનની ખાલસાનોટિસ આપવામાં આવી ! આ કિસ્સા પંજાબ માર્શલ લૉ વેળાનાં ઝેરવેરની નાનકડી યાદ આપતા હતા, પણ તોયે પેલા બહાદૂર પારસીએ પોતાની અને તાલુકાની લાજ રાખે એવો બહાદુર પત્ર લખીને અમલદારને કહ્યું : ‘હજી તારે વધારે જુલમ ગુજારવો હોય તો ગુજાર, તારું કાંઈ ન વળે.’

રેસિડંટ મૅજિસ્ટ્રેટની ખાસ કોર્ટ ખોલવામાં આવી હતી એટલે તેને માટે કામ ચાલુ રાખવામાં આવતું હતું. શ્રી. રવિશંકર પકડાયા પછી ભાઈ ચિનાઈને પકડવામાં આવ્યા. ભાઈ ચિનાઈ બારડોલીના પચરંગી કસ્બાને મક્કમ રાખવાનું મોટું કામ કરી રહ્યા હતા. રવિશંકરભાઈની જેમ તેમના ઉપર પણ મામલતદારને અટકાયત કરવા માટે અને વેઠિયાઓને ધમકી આપવાને માટે કામ ચલાવવામાં આવ્યું, અને તેમને બે મહિના અને ૨૦ દિવસની સખત કેદની સજા પહેલા ગુના માટે અને ૬ મહિનાની સખત કેદની સજા બીજા

૧૨૨