પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


પડતો હતો : ‘ભાઈ, એ માણસને જવાબ આપવા દો, તમે શા સારુ એના વતી બોલો છો ?’

તલાટીએ પહેલીવાર ફરિયાદ કરેલી તેમાં તો સન્મુખલાલની ધમકીનાં ઘણાં વાક્યો હતાં. અદાલતમાં આવીને તેની હિંમત ક્યાં ચાલી ગઈ તે તો કોણ જાણે? સન્મુખલાલની સામે હડહડતું જૂઠાણું બોલતાં કદાચ તેની છાતી હેબતાઈ ગઈ હોય તો રામ જાણે !

ઘડીઘડીએ મૂછ પર હાથ ફેરવતા ફોજદારસાહેબને પણ અર્ધાં વાક્યો સરકારી વકીલ પાસે પૂરાં કરાવવાં પડતાં હતાં !

ત્રીજા સાક્ષી પટાવાળાને તો બિચારાને સન્મુખલાલની ખબર નહોતી. ‘ગાંધીવાળા હતા ખરા. કોણે શું કહ્યું તે કોણ જાણે ?’ એની ગ્રામ્ય ભાષામાં, ‘ઉં હું જાણું ?’ એ જ વાક્ય બધા સવાલોનો એનો એક જવાબ કહી શકાય. આ પુરાવા (?) ઉપર સન્મુખલાલને છ માસની સખ્ત કેદની સજા મૅજિસ્ટ્રેટે ફરમાવી. જેનો પુરાવો કાંઈ કામમાં આવી શકે એવા જપ્તીઅમલદારને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા જ નહોતા.

આ પછી દૃશ્ય બીજું ખડું થયું. ભાઈ શિવાનંદ અને અમૃતલાલને રજૂ કરવામાં આવ્યા. જાણે હમણાં જ સૌને ચપટીમાં મસળી નાંખશે એવા રૂઆબથી એક ઉત્તર હિન્દુસ્તાનનો મુસલમાન આવીને ઊભો. એણે પોતાનો પાઠ સરસ ગોખેલો હતો. પોતાના જવાબથી જાણે કોર્ટને પણ ધમકાવવા માગતા હોય એવા આ વીરે ફરિયાદ નોંધાવી કે શિવાનંદે (તેની આગળ બાળક જેવા લાગતા શિવાનંદે) તેની ઉપર ધસારો કર્યો, અને અમૃતલાલે હાથ ઉગામ્યા ! મોટર હાંકનાર અને ક્લીનરે તેના કહેવામાં જેમતેમ ટાપસી પૂરી ! જપ્તીઅમલદાર સાહેબ તો તેમને કોથળા ઉપાડવાનો હુકમ આપીને ચાલ્યા ગયા હતા, એવો સૌનો પુરાવો હતો !

આવા માણસોની ઊલટતપાસ કરવી એ પણ નામોશી પામવા જેવું હતું. મૅજિસ્ટ્રેટ ચાહે તો પગલે પગલે આ

૧૨૬