પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


આ લોકો એક કૂંચીનો ઝૂડો પોતાની સાથે ફેરવતા. એક ઠેકાણે એક કૂંચી એક ઘરને લાગી, તે ઘરમાં પેસીને ભેંસ ઉપાડી.

મઢીની પાસેના એક ગામમાં ત્રાસજનક દાખલો બન્યો. એક જપ્તીદાર અને તેના પઠાણો અજવાળું થતા પહેલાં પોતાના કામ ઉપર નીકળી પડથા. આમાંનો એક પઠાણ પાછલે બારણેથી એક ઘરમાં પેસવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં ઘરની બાઈએ ઘરમાં દોડી જઈ બારણું બંધ કરવા માંડ્યું. ૫ઠાણ પાછળ પડ્યો, બારણાને ધક્કો માર્યો, અને પેલી બહેન પાછી બંધ કરવા જતી હતી ત્યાં પઠાણે તેનો હાથ પકડ્યો, તેને બહાર ખેંચી કાઢી અને પછી પાંચ જાનવરો જપ્ત કર્યા. ભાઈ મણિલાલ કોઠારી તે દિવસે ત્યાં જ હતા. તેમણે આ ખબર છાપામાં આપી એટલે દેશમાં ખળભળાટ મચ્યો.

જે રીતે ભેંસોની નામની કિંમતે કહેવાતી હરાજી થતી હતી, જે રીતે નાનાં નાનાં રાચરચીલાં અને બીજી મિલકતના કોઈ લેનાર ન મળે ત્યારે પઠાણો, સરકારી પટાવાળા, અને પોલીસને તે નામની કિંમતે આપી દેવામાં આવતી હતી, જે રીતે આ પટાવાળાઓને માટે લિલામ કરનારા જાતે આ વસ્તુ ખરીદતા તેના તે ઘણાયે દાખલાઓ છે. પઠાણના પેલા દાખલાથી તાલુકામાં હાહાકાર થઈ રહ્યો હતો ખરો, છતાં દોઢદોઢસો અને બસેં રૂપિયા પગાર ખાનારા અને મામલતદારની જગ્યાની લાયકાત ધરાવનારા અમલદારોને મવાલી પઠાણોની સાથે રાતદિવસ ભેંસની શોધમાં ભટકતા જોઈને આટઆટલા ત્રાસમાં અને ઉકળતા તાપમાં કારાગ્રહવાસ ભોગવતા લોકોને પણ રમૂજ આવતી હતી.

લગભગ આ જ અરસામાં વાંકાનેરના ૧૮ ખેડૂતોને ટંટાફિસાદ અને સરકારી નોકરીને કામમાં અટકાયત કરવાને માટે પકડવામાં આવ્યા. ખરા ખેડૂતોને જેલ જવાનો વારો આ પહેલીવાર આવ્યો એમ કહેવાય. આ પકડાપકડીઓ હર્ષથી વધાવી લેવામાં આવી. આ અઢારના ટોળામાં એક શ્રી. વલ્લભભાઈની મોટરનો ‘ક્લીનર’ હતો અને એક ગુજરાત મહાવિદ્યાલયનો

૧૩૦