પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭ મું
વધારે તાવણી
 


વિદ્યાર્થી હતો. આ બે જણા અને બીજા આઠ જણાએ તો જામીન આપીને છૂટવાની ના પાડી; બાકીના આઠ જણે પોતાનાં ઘરકામકાજમાંથી પરવારી લેવા જામીન આપીને કેસ ચાલે ત્યાં સુધી છૂટી મેળવી.

આમ એક તરફ ઉત્સવ ઊજવાઈ રહ્યા હતા ત્યાં બીજી તરફ દુશ્મન કિલ્લામાં ક્યાંક ક્યાંક ગાબડાં પાડતો હતો. મુસલમાન મામલતદારે કેટલાક મુસલમાન ખાતેદારોને આખરે ફસાવ્યા અને પૈસા ભરાવ્યા. આ મુસલમાનોએ તો સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરેલી નહોતી, પણ મોતામાં સત્યાગ્રહપ્રતિજ્ઞામાં પહેલી સહી કરનાર કેટલાક જણ પડ્યાના ખબર આવ્યા. આથી ન સરદારના પેટનું પાણી હાલ્યું કે ન લોકોના પેટનું પાણી હાલ્યું. સરદારે વાંકાનેરમાંના પોતાના જ ભાષણમાં આ બંને માઠા ખબરની ઉપર ચર્ચા કરતાં નવું જ અજવાળું પાડ્યું :

“મેં સાંભળ્યું છે કે તમારા ગામના મુસલમાન પૈકી કેટલાકોએ પૈસા ભરી દીધા. એમાં કાંઈ બૂરું થઈ નથી ગયું. એક રીતે તો એમાં આપણે રાજી થવાનું છે. ઈશ્વર જે કંઈ કરે તે સારાને માટે જ કરે છે. આ લડતને ત્રણ મહિના થઈ ગયા છતાં સરકારને કોઈએ પૈસા આપ્યા નહિ ત્યારે તેણે એવી વાત ફેલાવી કે લોકોને તો ભરવાની મરજી છે, પણ મારી નાંખવાના અને દેવતા મેલવાના ભયથી અથવા નાતજાતના બંધનને લીધે ભરવા જઈ નથી શકતા. આ મુસલમાન ભાઈઓએ હવે પૈસા ભર્યા છે તે પરથી હવે સરકારને ખાતરી થઈ જશે કે એવા ભયની વાત કેવળ બનાવટી જ હતી. એટલું સિદ્ધ કરવાનું સાધન આપોઆપ મળી ગયું એ આપણને ખુશી થવાનું કારણ છે. હવે આપણું એ કામ છે કે જેમણે પૈસા ભરી દીધા તેમને નિર્ભય કરવા. એ ભરનારાઓએ તો પ્રતિજ્ઞા પણ ક્યાં કરી હતી ? તેઓ મૂળથી જ નરમ હતા એ આપણે જાણતા જ હતા. ઇમામસાહેબ અને અબ્બાસસાહેબ તેમને બેત્રણવાર મળી ચૂકેલા જ હતા. એમને લડતમાં જોખમ લાગતું હતું. હવે મામલતદાર તેમની ન્યાતના આવ્યા, તેની સલાહ તેઓ માને, તેણે કંઈક કરી બતાવ્યું એવા જાતભાઈ તરીકે તેને જશ આપવાનું પણ મન સ્વાભાવિક રીતે થાય, એટલે એવાં કારણોથી કેટલાક પૈસા ભરે એમાં કંઈ જ નવાઈ નથી, કે તેમાં આપણે રોષ કરવાજેવું પણ નથી. ઈશ્વર જે કરે છે તે સારાને જ માટે કરે છે. તેની મરજી એવી હશે કે થોડા પાસે પૈસા ભરાવીને સિદ્ધ કરી

૧૩૧