પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭ મું
વધારે તાવણી
 


ભેંસનું પૂછડું પકડી રહ્યો છે, ને બીજો દોહે છે ! કોઈ એ આનો ફોટો પાડી લીધો છે. સરકારની નોકરી કરવા જતાં ગોવાળિયા અને ખાટકી થવાનું ! બળ્યા એ અવતાર ! સરકારી નોકરો કહે છે : ગામનાં છોકરાંનાં ડંકાનગારાં કરતાં આ ઢોરોની રાડોથી કાન ફૂટ્યા. કાઢોની જાહેરનામું એ ભેંસો ઉપર કે અવાજો ન કરવા ! તમારા જ થાણામાં એ બેઠેલી છે તમારી હકુમત હેઠળ.’ એક ગામમાં જઈને પૂછે છે : ‘તમારી ભેંસો વિષે બેપરવા છો ને ?’ લોકો કહે : ‘હા જી, અમે એને મરેલી સમજીએ છીએ.’ એટલે સરદાર પેલાને વધારે બેદરકાર બનાવવા માટે કહે છે : ‘જાણજો કે સરકારી કોગળિયું આવ્યું હતું. કોઈ એનો વિચાર ન કરજો. જાણજો કે એક નવી જાતનો સરકારી રોગચાળો આવ્યો હતો.’

વાલોડની સભા સરકારી થાણાની સામે જ ભરાતી હતી. ભાષણ પૂરું થવા આવ્યું ત્યાં ભેંસોના બરાડા સંભળાવા લાગ્યા. એટલે સરદારને વળી તક મળી : ‘સાંભળો, ભેંસોની રાડો. રિપોર્ટરો લખી લ્યો, રિપોર્ટ કરજો ભેંસો ભાષણ કરે છે. નગારાંના અવાજોથી રાજ ઊંધું વળતું હતું, હવે આ ભેંસોની રાડ સાંભળો (ફરી ભેંસોના બરાડા). આ રાજ કેવું છે એ હજુ તમે ન સમજતા હો તો આ ભેંસો રાડો પાડીને તમને કહે છે : આ રાજમાંથી ઇનસાફ મોં સંતાડી નાસી ગયો છે.’

હાસ્ય અને કરુણાની એ મેળવણી કેટલી સાદી અને કેટલી અસરકારક છે ! પણ ઘણીવાર અતિશય ગંભીર થઈ જતા સરદારના હૃદયમાં કેવી જ્વાળા સળગી રહી હતી તેનું પણ લોકોને માપ મળી રહેતું હતું :

“હું જાણું છું કે આખો દિવસ તમારે બારણાં અડકાવીને માણસ ને ઢોર બધાંએ પુરાઈ રહેવું તમને વસમું લાગે છે, ને તમે તમારાં ઢોર ને ઘરની મિલકત સરકારને લૂંટી જવા દેવા તૈયાર છો. પણ મારે તમને સમજપૂર્વક દુઃખ સહન કરતાં શીખવવું છે ને તમને ઘડવા છે. તે સિવાય આ બાહોશ અને ચાલાક સરકાર સામે આપણે ન ફાવીએ. મારે તમને દેખાડવું છે કે સો રૂપિયાની નોકરી માટે જનોઈ પહેરેલો બ્રાહ્મણ હાથમાં દોરડાં ઝાલીને ખાટકીને દેવાનાં ઢોર પકડવા ફરે છે. આપણા જ માણસોને,

૧૩૩