પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ મું
દાઝ્યા ઉપર ડામ
 

 આ કમિશનરના કાગળે બારડોલી તરફ આખા હિંદુસ્તાનનું ધ્યાન ન ખેંચ્યું હોત તો એ હું ન આપત. આ રહ્યો તે કાગળ :

[ અંગ્રેજી પત્રનો ગુજરાતી તરજૂમો ]
કૅંપ સૂરત,
૮ મી મે, ૧૯૨૮.
 


વહાલા ડા. એદલ બહેરામ,

આપના પત્ર માટે ઘણો આભાર માનું છું. મને ખાત્રી છે કે આપે જે લેખો લખ્યા છે તે હૃદયની ભલી લાગણીથી પ્રેરાઈને લખ્યા છે અને નહિ કે કોઈ અમલદારની પ્રેરણાથી, અને આપની એ ભલી લાગણીને કારણે જ આપે ગરીબ રક્તપીતિયાઓને મદદ કરવાના કામમાં આપનું જીવન સમર્પણ કર્યું છે.

સરકારવધારો વસૂલ કરવા માટે સખત પગલાં લેવા પહેલાં, મેં ખેડાના આ ચળવળિયાઓને તેમની ચળવળ છોડી દેવા માટે મારાથી બને તેટલો સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. સરકારી અમલદારો બારડોલીના લોકો સમક્ષ સરકારનો કેસ રજૂ કરી શકતા નથી, કારણ કે તેમને જાસૂસી, હુલ્લડખોરી અને એવા બીજાં અપમાનોના ભોગ બનાવવામાં આવ્યા છે. જે કોઈ અમલદાર પાસે જાય છે તેના પર શંકાની નજરથી જોવામાં આવે છે અને તેને બહિષ્કારની ધમકી અપાય છે. સરકારે ધારાસભામાં જે દલીલો રજૂ કરી હતી, અને જેને પરિણામે ધારાસભા ઠપકાની દરખાસ્ત ૪૪ વિરુદ્ધ ૩૫ મતે ઉડાવી દેવા પ્રેરાઈ હતી, તે સંબધી લોકોને જાણ થવા દેવામાં આવતી નથી. તેમના કાનમાં ડૂચા મારવામાં આવ્યા છે.

લોકોના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દોરવનારા આ ખેડાના ચળવળિયાઓનાં ધાડાંથી ગરીબ બિચારા ખેડૂતો પાચમાલ ન થાય તે માટે મારા જેટલી બીજાને ચિંતા ન હોય. મેં રા. બ. ભીમભાઈ રણછોડજી નાયક, એમ. એલ. સી., સમક્ષ એ વાત સ્પષ્ટ કરી છે કે જે કોઈ ગામ પોતાનો વર્ગ ખોટી રીતે ચડાવી દેવામાં આવ્યો છે એમ માનવાને યોગ્ય કારણો બતાવી આપે તેનો કેસ તપાસવા માટે હું તૈયાર છું, પણ તે એવી શરતે કે આખા તાલુકા અને મહાલનો જે ૨૦ ટકા જેટલો વધારે થયો છે તે નહિ આપવાની વાત છોડી દેવામાં આવે.

મહેસૂલ વસૂલ કરવા માટે સરકાર બને તેટલા દરેક ઉપાય લેવાનું માંડી વાળી શકે નહિ, કારણ કે એમ નહિ થાય તો કાયદાપૂર્વક થયેલી દરેક જમાબંધીનો વિરોધ કરવામાં આવશે. આજના બારડોલીના ચળવળિયાઓ તે જ માણસો છે કે જેમણે ૧૯૧૮ માં ખેડા જિલ્લામાં કર

૧૩૭