પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ મું
દાઝ્યા ઉપર ડામ
 

 ખબર આપું છું કે જેમને તે ક્રોધ અને સત્તાના મદમાં ‘ચળવળિયાઓનું ટોળું’ કહે છે તેઓ પ્રજાના આબરૂદાર સેવકો છે, જેઓ પોતાની સેવા બારડોલીને મોટો ત્યાગ કરી આપી રહ્યા છે. આમાં વલ્લભભાઈ પટેલ બૅરિસ્ટર ઉપરાંત વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજીસાહેબ પણ છે. તેઓ પણ બૅરિસ્ટર છે, અને એકવાર વડોદરામાં મુખ્ય ન્યાયાધીશ હતા. આમાં ઇમામસાહેબ બાવઝીર છે, જેઓ ફકીર જેવા છે અને બારડોલીની પાસે કોડીની તેમને સ્પૃહા નથી. વળી ડા. સુમંત મહેતા અને તેમનાં તેમના જ જેવાં સંસ્કારી પત્ની શારદાબહેન છે. ડા. સુમંતની તબિયત તો કેટલોક સમય થયાં બહુ નબળી છે, પણ તેઓ પોતાના આરોગ્યના મોટા જોખમે બારડોલી ગયા છે. આ ચારે ખેડાના નથી એ કમિશનરસાહેબને રોશન થાય. આ પછી ઢસાના દરબારસાહેબ છે, અને તેમનાં ભડ પત્ની ભક્તિબા છે. બંનેએ દેશને માટે પોતાના રાજનો ભોગ આપ્યો છે. તેઓ બારડોલીના લોકો ઉપર પેટ ભરતાં નથી. આ ઉપરાંત ડા. ચંદુલાલ અને ડા. ત્રિભુવનદાસ ત્યાં કામ કરી રહ્યા છે, તેઓ પણ ખેડાના નથી. આ ઉપરાંત ફૂલચંદ શાહ અને તેમનાં પત્ની તથા તેમના સાથી શિવાનંદ જે હવે તો જેલમાં જઈ પહોંચ્યા છે, તે પણ ખેડાના નથી; અને કેટલાંયે વર્ષોથી તેમણે મૂંગી સેવાને પોતાનાં જીવન અર્પણ કર્યાં છે. આ બધાં અને બીજાં જેમનાં નામ આપી શકું છું તેઓ બારડોલીની હાય સાંભળીને ત્યાં ગયાં છે. જો કમિશનરમાં આબરૂનો છાંટો પણ હોય તો તેમણે આ સજ્જનો અને સન્નારીઓની સ્વેચ્છાએ માફી માગવી જોઈએ. સાચું જોઈએ તો બારડોલીમાં કામ કરતાં કાર્યકર્તાઓમાં ખેડાના કાર્યકર્તાઓની સંખ્યા બહુ ઓછી છે.

કમિશનરે પોતાના કાગળમાં બારડોલી વિષે મુંબઈ ધારાસભાના ઠરાવનો આડંબરભર્યો ઉલ્લેખ કર્યો છે. પણ એ અગાઉ એ જ ધારાસભાએ સરકારની વિરુદ્ધ બેવાર મત આપેલો અને તેને સરકાર ઘોળીને પી ગઈ છે તે વાત તો તેઓ સાહેબ ખાઈ ગયા છે. કારણ તેનો ઉલ્લેખ કરવામાં સરકારની જ નામેાશી છે.

વળી સત્યાગ્રહ આદર્યાં પહેલાં બારડોલીના ખેડૂતોએ ‘રાજમાન્ય’ કહેવાતો દરેક ઉપાય લીધો હતો અને તેમાં તેમનું કશું વળ્યું નહોતું, એ મહત્વની હકીકત પણ કમિશનરસાહેબ ગળી ગયા છે.

કમિશનર જણાવે છે: ‘જો બારડોલીના સંકટમાં પડેલા ખેડૂતો પોતાની લડત છોડી દે તો ખોટા વર્ગમાં મુકાયેલા હોય એવા કોઈ પણ ગામડાના મહેસૂલને તેઓ ફરી વિચાર કરવાને રાજી છે.’ આમ કહીને

૧૪૧