પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


વર્ષો સુધી બહિષ્કૃત કર્યાના દાખલા આ કોમોમાં મળે છે. શ્રી. વલ્લભભાઈ ને આ બંધારણ પોતાના પ્રયોગને માટે સારાં સાધન તરીકે કામ આવ્યાં. એ કોમની સ્ત્રીઓની કેટલીક વિશિષ્ટતા તેમને ગુજરાતની સ્ત્રીઓમાં વિશિષ્ટ સ્થાન આપે એવી છે. સવારથી સાંજ સુધી ઘરમાં અને ખેતરમાં પુરુષોની સાથે કામ કરનારી એ બહેનોમાં એક પ્રકારની નિર્મળતા અને વીરતા છે જે બીજી કોમોમાં ઓછી જોવામાં આવે છે. આખી કોમને વિષે એમ કહી શકાય કે એ ધર્મભીરુ કોમ છે, કદાચ વહેમી પણ હશે, પણ એ વહેમમિશ્રિત ધર્મભીરુતામાં પણ પ્રતિજ્ઞાને પવિત્ર સમજીને તેને ગમે તે ભોગે પાળવાની શક્તિ ભરેલી છે. રાનીપરજ લોકોના જેવી ભોળી અને નિષ્કપટ કોમ તો ભાગ્યે જ બીજી કોઈ હશે. આ બે મોટી કોમના સહવાસમાં રહીને બીજી કોમોમાં પણ તેમના કેટલાક ગુણો ઊતર્યા છે, અને પરિણામે આખી પ્રજા શાંતિપ્રિય, અને ‘કાયદો અને વ્યવસ્થા’ ને સ્વાભાવિક રીતે માનનારી છે. આ તાલુકામાં ફોજદારી ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું છે, અને દીવાની દાવાઓને માટે મુનસફની કોર્ટ તો તાલુકામાં છે જ નહિ.

આવા લોકોમાં સત્યાગ્રહનું બીજ ઊગી નીકળે અને ફળે એમાં આશ્ચર્ય નથી. ગાંધીજી કે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ’ના ઇતિહાસની પ્રસ્તાવનામાં કહે છે : “જેમાં કાંઈ છૂપું નથી, જેમાં કાંઈ ચાલાકી કરવાપણું નથી રહેતું, જેમાં અસત્ય તો હોય જ નહિ, એવું ધર્મયુદ્ધ તો અનાયાસે જ આવે છે, અને ધર્મી તેને સારુ હમેશાં તૈયાર જ હોય છે. પ્રથમથી રચવું પડે તે યુદ્ધ નથી. ધર્મ- યુદ્ધનો રચનાર ને ચલાવનાર ઇશ્વર છે. તે યુદ્ધ ઈશ્વરને નામે જ ચાલી શકે, અને જ્યારે સત્યાગ્રહીના બધા પાયા ઢીલા થઈ જાય છે, તે છેક નિર્બળ બને છે, ચોમેર અંધકાર વ્યાપે છે ત્યારે જ ઈશ્વર તેને સહાય કરે છે. મનુષ્ય જ્યારે રજકણથી પોતાને નીચો માને છે ત્યારે ઈશ્વર તેને સહાય કરે છે. નિર્બળને જ બળ રામ આપે છે.” બારડોલીના લોકોની નિર્બળતાએ જ જાણે તેમને સત્યાગ્રહને માટે લાયક બનાવ્યા.