પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 છતાં ડા. અનસારી, મૌલાના શૌકતઅલી, અને મૌલવી મહમદ બલોચ બારડોલી ગયા. બારડોલીમાં અનેક સત્યાગ્રહી મુસલમાનો હતા, અને સૂરતના મુસલમાનોનો પણ આગ્રહ હતો એટલે તેને વશ થઈને તેઓ ગયા. ખરી વાત એ છે કે ડા. અનસારી બારડોલી ન ગયા પણ સૂરતમાં રહીને તેમણે બારડોલીનું કામ કર્યું, તેમણે સૂરતના મુસલમાનોને બારડોલી સત્યાગ્રહમાં સક્રિય સાથ દેવાની અને સરકારને કશા પ્રકારની મદદ ન દેવાની સલાહ આપી. મૌલાના શૌકતઅલી અને મૌલવી મહમદ બલોચ તો બારડોલી ગયા અને સત્યાગ્રહીઓનું સંગઠન જોઈને ખુશખુશ થઈ ગયા.

બીજી તરફથી પારસી ખાતેદારોના ઉપર ગુજરતા ત્રાસથી ખેંચાઈને શ્રી. ભરૂચા અને શ્રી. નરીમાન બારડોલી આવ્યા, અનેક ગામમાં ગયા, અને લોકોને ઊલટપાલટ સવાલ પૂછીને ખાતરી કરી કે બારડોલી તાવણીમાંથી પસાર થશે. શ્રી. નરીમાને પોતાના એક ભાષણમાં સરકારની દમનનીતિ ઉપર સખ્ત પ્રહાર કર્યો:

“આપણને કહેવામાં આવે છે કે બ્રિટિશ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા સ્થપાયાં છે અને ચોર, ડાકુ અને પીંઢારાનું નામ નથી રહ્યું. બીજે તો ગમે તેમ હોય, બારડોલીમાં આજે પઠાણ અને મવાલીનું રાજ છે. મુંબઈમાં જે પઠાણોની હિલચાલ ઉપર ચોવીસ કલાક પોલીસ ચોકી રાખે છે તેમાંથી આ પઠાણોને અહીં બોલાવ્યા છે. આ ભાડૂતી પઠાણો લાવીને સરકારે પોતાની જેટલી લાજ ખેાઈ છે તેવી બીજી કોઈ પણ રીતે ન ખોઈ હોત.”

શ્રી. ભરૂચા વળી એકવાર આવ્યા. આ વેળા સંતોક વકીલ તેમની સાથે હતા. બંનેએ મુંબઈ જઈને પારસી કોમને એક અપીલ કરી ને તેમાં જણાવ્યું કે પારસીઓએ બારડોલીમાં ચાલી રહેલા અત્યાચારોની સાથે સીધો અથવા આડકતરો જરાય સંબંધ ન રાખવો.

મુંબઈના યુવક સંઘની ભેસાણિયા બહેનો બારડોલીનાં ગામડાંમાં થોડા દિવસ ગાળવા આવી, લોકોની સ્થિતિ નજરે જોઈ, ચોધારાં આંસુ પાડ્યા, ‘અમારી જિંદગીની સાચી કેળવણી અમને આ દિવસમાં મળી’ એમ એકરાર કરીને તેઓ

૧૫૦