પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯ મું
ગવાઈ રહે બારડોલી
 


મુંબઈ ગઈ, અને ત્યાં પોતે જોયેલાં દ્રશ્યોનાં વર્ણન આપ્યાં જેથી મુંબઈનો યુવક અને વિધાર્થીવર્ગ ખળભળી ઊઠ્યો. આ પછી આ યુવકોમાં જે અજબ ચેતન દેખાયું, તેમણે મોટાં સરઘસો કાઢ્યાં, અને સત્યાગ્રહ ફંડને માટે ઘેરઘેર ફરીને જે ફાળા કર્યા એ બધું આ બે બહેનોની બરડોલીયાત્રાને પ્રતાપે હતું.

શ્રી. જયરામદાસ દોલતરામ (સિંધ તરફથી ધારાસભાના સભ્ય ) બારડોલી માટે ખાસ ભરાનારી સૂરત જિલ્લા પરિષદના પ્રમુખ ચૂંટાયા. બારડોલીનાં ગામડાં નજરે જોયા વિના એમને પ્રમુખપદ લેવું ઠીક ન લાગ્યું. એમણે ઘણાં ગામડાં જોયાં અને પોતાના ભાષણમાં જે જે જોયું હતું તેનો તાદૃશ ચિતાર ઉતાર્યો. જે પરિષદ બે મહિના ઉપર ભરવાની શ્રી. વલ્લભભાઈએ સલાહ નહોતી આપી તે ૨૭ મી તારીખે સૂરતમાં ભરાઈ. આવી પરિષદ સૂરતના લોકોની જાણમાં અગાઉ કદી ભરાઈ નહોતી.

હજારો માણસો જિલ્લાના દરેક તાલુકાના ખૂણા ખૂણાનાં ગામોમાંથી ઊભરાયાં હતાં. બારડોલીની ગાડીઓના ડબાનાં ચડવાનાં પાટિયાં ઉપર પણ મુસાફરો ઊભા હતા ! સહેજે ૧૦-૧૫ હજાર માણસો મંડપમાં હશે, અને મંડપમાં ન દાખલ થઈ શક્યા એવા હજારો બહાર રહી ગયા હતા. બારડોલીના સત્યાગ્રહ વિષે લોકોનો કેટલો ઉત્સાહ હતો તે જણાવવાને માટે આ અપૂર્વ દૃશ્ય પૂરતું હતું. બારડોલીથી રાનીપરજની બાળાઓને ખાસ સત્યાગ્રહનાં ગીતો સંભળાવવાને માટે લાવવામાં આવી હતી. એ સરળ ને નિર્દોષ બાળાઓને સભાક્ષોભ જેવી વસ્તુ નહોતી, ગાવાનું કહ્યું એટલે કોયલની જેમ ટહૂકી ઊઠી. બારડોલી ન જનારને પણ એ સત્યાગ્રહગીતો સાંભળવાનો લહાવો મળ્યો. મંડપના થાંભલાઓ ઉપર બારડોલીમાં જોવામાં આવતાં આજનાં પાપપુણ્યનાં દૃશ્યોનું ‘ચિત્રમય જગત’ ટાંગવામાં આવ્યું હતું.

શ્રી. જયરામદાસનું ભાષણ અનેક રીતે ઉત્કૃષ્ટ કોટિનું હતું. એમાં પ્રશ્નનો સુંદર અભ્યાસ હતો, અભ્યાસ જેણે ન કરેલો હોય તેને માટે આખા પ્રશ્નની વીગતોનું સટીક ટાંચણ હતું. એમાં નમ્રતા હતી, પણ તે સાથે નીડરતા હતી, સરકારની ત્રાસનીતિની

૧૫૧