પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૨૦
ગાજવીજ
“મહિનાથી આટલાં તોફાન કર્યા, પઠાણ લાવ્યા, મોટરો લાવ્યા, ખાસ અમલદારો રાખ્યા, પણ એ બધાં તોફાનનું પરિણામ શું આવ્યું ? ભલે ખેડૂતનો માલ વેડફ્યો હશે, પણ તમારા દફતરમાં કેટલું જમે થયું ? છેવટે તો ગાય દોહી કૂતરીને જ પિવડાવ્યું ને ?”

બારડોલીનું બળ વધતું જતું હતું અને સરકારની અકળામણ વધતી જતી હતી. કમિશનરસાહેબને હજુ બારડોલીની મુલાકાતે આવવાની ફુરસદ નહોતી મળી. આજે નહિ તો કાલે એ હિલચાલને ચપટીમાં મસળી નાંખશે એવી એમને ખાતરી હતી, એની હાથ નીચેના અમલદારોની આપેલી એવી ખાતરીને વિષે એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. ‘સ્થાન ઉપરના માણસ’ના ઉપર વિશ્વાસ રાખનારી સરકાર એ કમિશનરને ‘સ્થાન ઉપરના માણસ’ સમજીને નિશ્ચિંત બેઠી હતી. પણ મે મહિનાનો તાપ સરકારથીયે સહન ન થયો. સરકારે જોયું કે એકે પાસો સીધો પડતો નથી ત્યારે તેણે ‘યુદ્ધપરિષદ’ બોલાવી. યુદ્ધપરિષદમાં બે ગુજરાતી અમલદારો હતા. બંનેને લડાઈ શાંત પાડવાની સરખી ઉત્કંઠા હતી, પણ હવે એકની ઉત્કંઠા વિવેક વટાવીને આગળ જતી હતી. દીવાન બહાદુર હરિલાલ દેસાઈ, શ્રી. વલ્લભભાઈના જૂના મિત્ર, પણ રાજદરબારે ચડેલા મિત્ર અને સરકાર સામે બહારવટે નીકળેલા મિત્ર વચ્ચે શી રીતે મેળ ખાય ? પેલા મિત્ર સરદારને પોતાની રીતે મદદ કરવા ગયા અને લોકોની અસેવા કરી. કમિશનર અને તેના હિમાયતીઓની પહેલી શરત એ હતી કે વધારા સાથે સરકારધારો પહેલો ભરી દેવામાં આવે. દીવાન બહાદુરે આ ટોળીને ટપેરી આપી, અને શ્રી. વલ્લભભાઈ

૧૬૦