પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

વધાવી લઈને પોતાના પક્ષ મજબૂત કરે. ગમે તેમ હોય, દીવાન બહાદુરની દેખીતી રીતે અપમાનકારક અને અયોગ્ય લાગતી માગણીને સરદાર સ્વીકારી ન શક્યા. એટલે તેમણે પેલા કાગળના જવાબમાં આ પ્રમાણે તાર કર્યો :

“આપનો પત્ર પહોંચ્યો. પંચ નિમાય તે પહેલાં વધારાનું મહેસૂલ આપવું અશક્ય છે. જૂનું મહેસૂલ ભરી દેવામાં આવશે — પણ તે પણ સ્વતંત્ર, ખુલ્લી તપાસ જાહેર થાય તેમાં પુરાવો રજૂ કરવાની અને સરકારી અમલદારોની ઊલટતપાસ કરવાની લોકોના પ્રતિનિધિઓને છૂટ હોય, ખાલસા કરેલી જમીન પાછી આપવામાં આવે અને સત્યાગ્રહી કેદીઓને છોડી દેવામાં આવે ત્યારપછી લોકો પંચનો નિર્ણય સ્વીકારશે. જવાબ આરડોલી આપો.

વલ્લભભાઈ "
 

આ તારના ભાવ વિસ્તારથી નીચેના પત્રમાં તેમણે જણાવ્યું :

બારડોલી, તા. ૨૮મી મે, ૧૯૨૮.
 

પ્રિય હરિલાલ,

નવસારીથી આપને એક લાંબો તાર કર્યો છે, એની નકલ સાથે જોડું છું.

મારી અને આપની કામ કરવાની અને સેવા કરવાની રીતો ભિન્ન છે એટલે મને જે ‘ઓછામાં ઓછી શરત’ સંતોષકારક લાગે તે આપને વધારાપડતી માગણી લાગે. વધારો પહેલો ભરી દેવાનો હોય તો પંચ નીમવાની જરૂર જ શી છે ? લોકોનો પક્ષ ખાટો ઠરે અને વધારો લોકો ન આપે તો તે ભરાવવાની સરકારની પાસે પૂરતી સત્તા છે.

મહેરબાની કરીને એટલું પણ જોજો કે આ પંચે કરવાના કામની શરત પણ પહેલેથી નક્કી થવી જોઈશે. ગમે તે શરતો ન ચાલે.

લોકોનો કોઈ પણ સ્વાભિમાની પ્રતિનિધિ એટલો આગ્રહ રાખ્યા વિના તો ન જ રહી શકે કે કેદીઓને છોડવામાં આવે અને જમીન પાછી આપવામાં આવે — ખાસ કરીને જ્યારે કેદીઓને ગેરકાયદેસર સજા થઈ હોય અને જમીન ગેરકાયદેસર ખાલસા થઈ હોય.

છેવટે આપને એટલું જણાવું કે જો આપનાથી હિંમતભર્યું પગલું ન લેવાય એમ હોય, અને લોકોનું બળ મને જેટલું લાગે છે તેટલું આપને ન લાગતું હોય તો આપે કશું ન કરવું — એમાં જ આપની સાચી સેવા રહેલી હોય. આબરૂભરી સમાધાનીનાં દ્વાર હું બંધ કરવા નથી ઇચ્છતો, પણ આબરૂભરી સમાધાની વિના અથવા લોકોને આકરામાં આકરી

૧૬૨