પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


દેશમાં તો આ જાહેરનામા ઉપર સખત ટીકા થઈ, દરેક પ્રાંતનાં ઘણાખરાં વર્તમાનપત્રો બારડોલીની ખબરથી જ હવે ભરેલાં આવવા લાગ્યાં, અને સ્થાનેસ્થાને બારડોલીની સહાનુભૂતિને માટે સભાઓ થવા લાગી. આ સમયે નામદાર વિઠ્ઠલભાઈ પટેલ, જેઓ વડી ધારાસભાના પ્રમુખ છતાં ગુજરાત તરફથી ચૂંટાયેલા સભ્ય તરીકે આખી લડતનો અતિશય રસથી અભ્યાસ કરી રહ્યા હતા તેમણે આખી વસ્તુસ્થિતિ નામદાર વાઈસરૉયની આગળ રજૂ કરી અને વસ્તુસ્થિતિ ન સુધરે તો પોતે શું કરવા ધારે છે તે જણાવ્યું. વાઈસરૉયની સાથે ચર્ચા ચાલી રહી હતી. ત્યાં તો તેમણે સરકારનું ઉપર વર્ણવેલું જાહેરનામું છાપાંમાં જોયું, અને તરત જ તેમણે ગાંધીજીને એક પત્ર લખ્યો જે લડતના ઇતિહાસમાં એક ઉજ્જવળ પ્રકરણ પૂરું પાડે છે. પત્રની સાથે તેમણે ૧,૦૦૦ રૂપિયાનો ચેક મોકલ્યો, અને લડત ચાલે ત્યાં સુધી સહાનુભૂતિ તરીકે દરમાસે એટલી રકમ મોકલવાનું વચન આપ્યું. વડી ધારાસભાના પ્રમુખસ્થાને રહીને રાજકીય જેવી અને સરકારની સામે બંડ તરીકે વગોવાયેલી લડતને માટે તેઓ આવી સક્રિય સહાનુભૂતિ દાખવે એ ઘણાને સાનંદાશ્ચર્ય પમાડનારી વાત થઈ પડી. કેટલાક ગણ્યાગાંઠ્યાને એ વાત ખૂંચી પણ ખરી કારણે તેમની સ્થિતિ કઢંગી થતી હતી, પણ દેશમાં તો ના. વિઠ્ઠલભાઈનો પત્ર ગવાઈ રહ્યો, અને જેમનાથી તેમના સુકૃત્યનો લાભ લેવાય અને યત્કિંચિત્ અનુકરણ થઈ શકે તેમણે તે પ્રમાણે કર્યું. સરકારની સ્થિતિ આ પત્રથી કેટલી કઢંગી થઈ પડી તે તો સરકારી નોકરો વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર આપણને કોઈ દિવસ જોવાના મળે ત્યારે ખબર પડે. આ રહ્યો તે ઐતિહાસિક પત્ર :

“જે પ્રદેશની વતી હું વડી ધારાસભાનો સભાસદ છું તેમાંનો બારડોલી તાલુકો એક ભાગ છે. ત્યાંના ખેડૂતોને સારુ તમે જાહેર મદદ માગી છે. હું પોતે ગુજરાતી હોઈ અને વડી ધારાસભામાં ગુજરાતનો પ્રતિનિધિ હોઈ બારડોલીની લડતનું નિરીક્ષણ ધ્યાનપૂર્વક કરી રહ્યો છું. જે પદ હું આજે ભોગવી રહ્યો છું તેના ધર્મને ધ્યાનમાં રાખીને બારડોલીના સત્યાગ્રહીઓને સારુ દાદ મેળવવા મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. જો બારડોલીના

૧૬૬