પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ મું
ગાજવીજ
 

 નાંખનારા કાગળ લખીને આપે એ બારડોલીમાં બલિદાન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું એમ બતાવે છે. જ્યારથી લડત શરૂ થઈ હતી ત્યારથી પટેલતલાટીઓ ઉપર વલ્લભભાઈના મીઠા પ્રહાર પડ્યા જ કરતા હતા. ત્રણ મહિના અગાઉ તેમણે પટેલતલાટીને આ પ્રમાણે વર્ણવ્યા હતા :

“આ રાજ્યરૂપી ગાડાને બે પૈડાં છે, એક પટેલ અને બીજો તલાટી; અથવા સરકારની ગાડીના એ બે બળદ છે. આ બળદ રાતદિવસ ખૂબ ફટકા ખાય છે, ગાળો ખાય છે, કોઈકોઈવાર જરાક ગોળ ચટાડે છે તે મીઠો લાગે છે, અને માર ને ગાળ બધું ભૂલી ગાડું ખેંચે છે.”

આ પ્રહારોની કોઈના ઉપર માઠી અસર થાય, પણ આ દેશભક્ત પટેલતલાટીએાનામાં એણે ધર્મભાન જાગૃત કર્યું. આ પટેલતલાટીનાં રાજીનામાં અપાયાં ત્યારથી સરકારના સાંધા ખરેખર ઢીલા થવા લાગ્યા, અને સરકારી અમલદારોના ઉરમાં ખરી અરેરાટી પેઠી.

ગાંધીજીએ આ બલિદાનની નોંધ લેતાં આ વીર પટેલતલાટીઓ વિષે લખ્યું : ‘‘એમને મારા આદરપૂર્વક ધન્યવાદ. એમના બલિદાનની આખા ભારતમાં સ્તુતિ થઈ રહી છે. એમનાં જેવાં બલિદાન જ આખરે આપણને સ્વરાજ્ય અપાવશે. ”