પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 દિવસોમાં વધારે મુલાકાત વાલોડ, બારડોલી, વાંકાનેર એવા મોટા મોટા કિલ્લાઓને જ આપી. જમીન ન ખેડી ગણોત આપનારાઓને ઠસાવ્યું કે તેમને વાંકે ગરીબો માર્યા ગયા છે અને તેમણે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, ખાસ એ સમજાવ્યું કે સરકારની યારીના કરતાં ખેડૂતની યારી જ આખરે કારગત આવવાની છે.

“તમે ખેડૂતનો દ્રોહ કરીને સરકારના વફાદાર શા સારુ થવાને જાઓ ? સરકાર તો જાતજાતના વેરા નાંખનારી છે, પણ ખેડૂત તો તમને પરસેવો ઉતારી માલ પકવી આપશે, કે જેના ઉપર તમે તમારો દલાલીનો ધંધો ચલાવી કમાણી કરો છો. એ દૂઝણી ગાયને ભાંગશો તો ખેડૂત તો બિચારો તમને જતા કરશે પણ ગરીબનો બેલી ઈશ્વર તમને જતા નહિ કરે. જેની મહેનત અને ધન ઉપર તમે નભો છો તેને દગો ન દેશો.”

કોઈ સાક્ષર એમ કહે કે સરદારે તો ઉપમા અને દૃષ્ટાંતોથી બારડોલીની લડત જીતી છે તો તેનો બહુ દોષ ન કાઢી શકાય. પણ સરદારનાં દૃષ્ટાન્તો અને ઉપમાઓ ખેડૂતના અનાજની જેમ ધરતીમાંથી પાકેલાં હતાં, એટલે જ તે ખેડૂતોનાં હૈયાંમાં સોંસરાં પેસી જતાં. સાહુકારો અને ખેડૂતોનો સંબંધ વર્ણવતાં એક ઠેકાણે સરદારે કહ્યું : ‘ખેડૂતસાહુકાર વચ્ચે અત્યારે દૂધપાણીનો સંબંધ બંધાયો છે. દૂધપાણી ભળ્યાં એટલે બેઉ એકરંગ થાય છે ને કદી છૂટાં નથી પડતાં. દૂધ ઊકળે છે ત્યારે પાણી દૂધને બચાવવા નીચે જઈ પોતે પહેલું બળે છે અને દૂધને ઉપર કાઢી તેનો બચાવ કરે છે. દુધ પછી પાણીનો બચાવ કરવા પોતે ઊભરાઈ આગમાં પડી આગને હોલવવા મથે છે. એ જ પ્રમાણે આજે ખેડૂતસાહુકાર એક થયા છે.’

બીજું સંગઠન ખેડૂતખેડૂત વચ્ચેનું. બહિષ્કારની વાડનો આ સંગઠનને માટે સરસ ઉપયોગ છે એમ શ્રી. વલ્લભભાઈએ પ્રથમથી જ નિશ્ચય કરી લીધો, અને તેને ધીમેધીમે પ્રચાર કરતા ગયા. પાંચ હજાર ગાઉ દૂરથી આવેલા એકબીજાને વળગીને રહ્યા છે, એકે કર્યું બીજો ઉથાપતો નથી, ઊલટું એકે ખોટું કર્યું હોય તો તેને બીજો ટેકો આપે છે, તો આપણે આ ન્યાયની લડતમાં એના કરતાં કાચું મંડાણ શા માટે રાખીએ ?

૧૭૨