પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧ મું
લોકશિક્ષણ
 

 આને માટે સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરાવવાની યોજના હતી. પ્રતિજ્ઞા ઉપર સહી ન કરનાર આરંભથી જ શંકાની નજરથી જોવામાં આવતા, અને પ્રતિજ્ઞા ઉપર સહી ન કરનારાં ગામો ઉપર સરદારે પહેલા હુમલા કર્યા. પાછળથી પ્રતિજ્ઞા ઉપર સહી આપીશું એમ કહેનારાઓને તેઓ જવા દેતા નહોતા, ઊલટા તેમને સારી રીતે ઉઘાડા પાડતા હતા :

“તમારા મનમાં એમ હશે કે બેચારને પાડીને પછી આપણે એમની ઓથે રહીને ભરી આવશું, તો હું તમને ચેતવવા આવ્યો છું કે તમે ભયંકર કામ કરો છો, ને તેનું તમને ભોગવવું પડવાનું છે. જે નાવમાં આખો તાલુકો બેઠો છે એ જ નાવમાં તમે બેઠા છો. જો નાવમાં ગાબડું પાડશો તો નાવ ડૂબશે, તાલુકો ડૂબશે, પણ યાદ રાખજો તમે બચવાના નથી.”

જ્યારે પ્રતિજ્ઞાપત્રો ઉપર સહીઓ થઈ રહી અને ક્યાંક ક્યાંક સરકારી નોકરોની ફસાવણીથી ખેડૂતો પડવા લાગ્યા એટલે સરદારે ખેડૂતોને કહ્યું : ‘મારી અને મારા સાથીએાની ગરદન કાપીને પૈસા ભરવા હોય તો ભરજો.’

એ જ પ્રમાણે સંગઠનને માટે બહિષ્કારના શસ્ત્રનો કડક પ્રયોગ પણ તેઓ જ્યારે સરકારથી વધારે છંછેડાયા ત્યારે ઉપદેશવા લાગ્યા. કલેક્ટર કહે, લોકો બહિષ્કારથી ડરાવીને કોઈને ભરવા દેતા નથી; કમિશનર કહે, બહિષ્કાર જો બંધ થાય તો બધાં સારાં વાનાં થાય; સરકારના જાહેરનામામાં પણ બહિષ્કારની વાત આવી અને એમાં તો લોકોને છાના ભરી જવાની નફટ સૂચના પણ કરવામાં આવી. આની સામે સરદારે ઠેરઠેર પોકારી પોકારીને કહ્યું, વહાણમાં કાણું પાડનારને ધક્કો મારીને બહાર કાઢો, તેનું કોઈ મોઢું ન જુઓ, તેની સાથે કાંઈ કામ ન પાડો. આમ બહિષ્કાર પ્રતિજ્ઞા તોડનારનો જ નહિ, પણ ખેડૂતની જમીન લેનારનો પણ ઉપદેશાયો. ‘હું સંગઠન કરવાનું કહું છું પણ સરકારને ગમતું નથી. પાંચ હજાર માઈલ દૂરથી આવીને એ લોકો પોતે શું કરે છે ? સંગઠન કરીને આખા હિંદુસ્તાનને ગુલામ બનાવે છે… ગમે તેવા ચમરબંધી હોય પણ બારડોલીના ખેડૂતને દગો દેતા હોય તેને દૂર કરજો, તેના સંગ છોડજો; ગાર્ડાજી અને માનાજી

૧૭૩