પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ મુ
‘બારડોલી દિન’
 


કોઈ પ્રકારની મદદ ન કરવી. એક ખરીદ કરનાર બારડોલી બહારના પારસી હતા. તેમની કોમના અને શહેરના માણસોએ તેમના કડક બહિષ્કારના ઠરાવ કર્યા. શ્રી. વલ્લભભાઈએ ‘બારડોલી દિન’ને દિવસે બારડોલીમાં ભાષણ કર્યું તેમાં વળી આ જમીન ખરીદનારાઓને આકરી ચેતવણી આપી : “કોઈ પણ ખેડૂતની કે સાહુકારની એક ચાસ પણ જમીન જ્યાં સુધી ખાલસા થયેલી હશે ત્યાં સુધી આ લડતનો અંત નથી અને હજારો ખેડૂતો તેના ઉપર પોતાનાં માથાં આપશે. એ કાંઈ ધર્મરાજાનો ગોળ લૂંટાતો નથી કે ભરૂચ જઈ એક ઘાસલેટવાળા પારસીને લાવ્યા કે જે જેમ ફાવે તેમ લૂંટ મારી શકે. આ જાહેર સભામાંથી ચેતવણી આપું છું કે આ જમીન રાખતા પહેલાં પૂરતો વિચાર કરજો. ખેડૂતનું લોહી પીવા આવવાનું છે, ને તેમ કરનારનો ઇન્સાફ પણ પ્રભુ આ જિંદગીમાં કેવો કરે તે ન ભૂલજો. આ મફતમાં જમીન લેવા આવનારાની પેલા નાળિયેરના લોભિયા બ્રાહ્મણની જેવી દશા થઈ હતી તેવી થવાની છે એ ખચીત માનજો.”

સરકારી અમલદારોનાં જૂઠાણાં તો સહજ થઈ પડ્યાં હતાં. સરકારી જાહેરનામાંમાં જૂઠાણાં હોય, કમિશનરના કાગળમાં હોય, કલેક્ટરના ‘શુભ વચન’માં હોય તો પછી ડે. કલેક્ટર જેને ભરોસે સરકાર આખી લડત ચલાવી રહી હતી તેના વર્તનમાં કેમ ન હોય ? બારડોલીના લોકોની ભલમનસાઈ અને નરમ સ્વભાવ તેમને ડગલે ડગલે નડે એવાં હતાં. સરકારી નોકરોની સાથેની મહોબત તેમને ઝેરરૂપ થઈ પડી હતી. મોતામાં એક સજ્જનને પેલા અમલદારે અનેકવાર સમજાવેલા : ‘તમારી વાડીનાં ફળ ખાધાં છે અને એ વાડીને હરાજ કરાવવી એ મારાથી નથી બનવાનું. મહેરબાની કરીને ભરી દોની ! કોઈ ને જરાય ખબર ન પડવા દઈએ.’ એ સજ્જન અડગ રહેલા. હવે એક વૃદ્ધ પેન્શનરને આ અમલદારે કહ્યું કે તમારા મિત્રે તેમના તરફથી પૈસા ભરી દેવાનું તમને કહ્યું છે. એમ પેલા પેન્શનર ભોળવાય એવા નહોતા તેમણે તપાસ કરી જોઈ તો ખબર પડી કે તેમના મિત્રે કશી વાત કરી નહોતી. આ ગામમાં જઈને

૧૮૧