પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 વર્ષના ગણવાની ભૂલનો આમાં આંખમાં ધૂળ નાંખનારો વિસ્તૃત બચાવ આપવામાં આવ્યો હતો. બ્રૂમફીલ્ડ કમિટીએ એ આંકડાને સાવ ખોટા ઠરાવ્યા છે એટલે હવે એ તકરાર નાહકની ઉતારીને સ્થળનો વ્યય ન કરું.

ખબરખાતાને પત્રિકાઓ કાઢવાનું શૂર ચડ્યું હતું એટલે રોજરોજ સરકારની ઇજ્જત ઉઘાડી પાડનારા નમૂના બહાર પડ્યે જતા હતા. એક પત્રિકામાં જણાવવામાં આવ્યું કે પટેલતલાટીઓનાં રાજીનામાં ધમકી અને દબાણથી લખાવી લેવામાં આવ્યાં છે. પટેલતલાટીઓએ તુરત જ આ જૂઠાણાને ઉઘાડું પાડ્યું, પોતાની સહીનો એક કાગળ પ્રકટ કરીને તેમણે જણાવ્યું કે એ વાત જૂઠી છે, અને એક તલાટીએ તો ઊલટું જણાવ્યું: ‘અમે તો કોઈએ દબાણની વાત નથી કરી; બાકી ડેપ્યુટી કલેક્ટરે મને બહુ આગ્રહ કરીને કહેલું કે રાજીનામું પાછું ખેંચી લો, અને મને પગાર વધારી આપવાની લાલચ પણ આપી હતી !’

પણ ખબરખાતાના વડાના શો વાંક કાઢીએ ? એનું તો એ કામ રહ્યું. બલ્કે સરકારનાં કૃત્યોનો બચાવ કરવાને માટે એને પગાર મળે, એને પેલા અમલદારો જે પ્રકારના બચાવ મોકલે તે જેમનો તેમ પોતાની ઑફિસમાં બેઠા બેઠા પોતાની સહીથી બહાર પાડવાનો. પણ ખબરખાતાના ઉપરીને ક્યાંક ટપી જાય એવાં તો કલેક્ટરનાં ‘ખેડૂતોનાં શુભ વચન’ હતાં. એમાં પહેલેથી છેલ્લે સુધી નર્યું અસત્ય અને અસભ્યતા હતાં. કલેક્ટર શ્રી. વલ્લભભાઈ અને તેમના સાથીઓને માટે નવાં વિશેષણોની નવાજેશ કરે છે : ‘દુરાગ્રહીઓ,’ ‘બારડોલી તાલુકામાં જેમને ગુમાવવાની બિલકુલ ખેતીની જમીન નથી તેવા પરદુ:ખોત્પાદક ઋષિઓ.′ કલેક્ટર બારડોલીના સત્યાગ્રહના વાતાવરણને હિંસાના વાતાવરણ તરીકે વર્ણવે છે, અને સરદાર જ્યારે કહે છે કે ખાલસા જમીન ખરીદનારાઓ તે જમીન ખેડે તે પહેલાં તેમને અમારા સ્વયંસેવકના લોહીની નીક વહેવરાવવી પડશે અને તેમનાં હાડકાંનું ખાતર કરવું પડશે, ત્યારે તેને કલેક્ટર આ પ્રમાણે ઉલટાવે છે : ‘હવે તો તત્ત્વજ્ઞાન અને શાંતિના પાઠો પણ

૧૯૦