પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ઇનકાર ગવર્નર જેવા જવાબદાર માણસ હજી પણ કરે છે, કેમ જાણે અસત્યને વખતોવખત બોલ્યાથી તે સત્ય ઠરી જતું હોયની ? નિષ્પક્ષ પંચ નીમવાની શ્રી. મુનશીની વિનંતિને વિષે ગવર્નરે પહેલા કાગળમાં તો જણાવ્યું :

“વધારે તપાસ થવાથી કશા નવા મુદ્દા નથી નીકળવાના. . . . જમીનમહેસૂલની ફરી આકારણી થઈ તે કેવી રીતે થઈ તેનો અભ્યાસ કરવાથી કોઈ પણ ન્યાયબુદ્ધિવાળા માણસની ખાત્રી થશે કે સરકાર વાજબી કરતાં વધારે સારી રીતે અને ઉદારતાથી વર્તી છે. . . . લોકોની તકરાર પછી પાછી તપાસ પણ થઈ ચૂકી છે. કારણ રેવન્યુ મેમ્બર મિ. રૂ રજા ઉપર ગયા ત્યારે મિ. હૅચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદારે તેમની જગ્યા લીધી. મિ. હૅચ નિષ્પક્ષ બુદ્ધિથી બધા કાગળો તપાસી ગયા છે, અને તેમની ખાતરી થઈ છે કે ગણોતો વગેરે બાદ કરીએ તો પણ (કારણ ગણોતોની સામે વાંધો લેવામાં આવ્યો છે) માલના ભાવ, વેચાણ વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારો સૂચવ્યો છે તે જોઈતો હતો તેના કરતાં ઓછા છે, અને જો ફરી તપાસ કરવામાં આવે તો મહેસૂલ ઘણું ઓછું થવાને બદલે ઊલટું વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાત્રી આપું છું કે સરકારનો એક પણ સભ્ય એવો નથી કે જેની ખાત્રી ન થઈ હોય કે સરકારે વધારેલું મહેસૂલ ન્યાયયુક્ત જ નહિ પણ ઉદારતા ભર્યું હતું.”

પણ લોકોને ઉદારતા નહોતી જોઈતી. લોકોને તો ન્યાય જોઈતો હતેા. ગવર્નરે તો કહ્યું: અરે, એવી કમિટી નીમવામાં આવે તો ઊલટા વધારે વધારાની એ ભલામણ કરે. ત્યારે તો તેમણે જરૂર લોકોની માગણી તરત સ્વીકારીને લોકોને બેવકૂફ બનાવવા જોઈતા હતા. બીજા પત્રમાં શ્રી. મુનશીએ લખ્યું :

“સરકાર જો બારડોલીના લોકોની વાજબી માગણી ન સ્વીકારે તો બારડોલીના લોકોનું નામનિશાન ન રહે અથવા ખુનામરકી થશે. અને બંને પરિણામ આવતાં હમેશને માટેનાં દુઃખ અને દર્દનો ડાઘ રહી જશે. આપ નામદાર કહો છો તે વાત સાચી હોય કે નવો ધારો કરતાં સરકાર ન્યાયી નહિ પણ ઉદાર થઈ છે તો તો એ ન્યાયી છે એટલું કબૂલ કરાવવાની તક શા સારુ સરકાર નથી લેતી ?”

૧૯૨