પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 આ આરોપીઓને ઓળખવાની ક્રિયાનું ફારસ વર્ણવવા જેવું છે. એ ક્રિયા ‘ગુનો’ થયા પછી અગિયાર દિવસે થઈ. શ્રી. કલ્યાણજીએ તથા શ્રી, વલ્લભભાઈનાં દીકરી કુમારી મણિબહેન પટેલે લોકોને ઘરની બહાર આવવાને ન સમજાવ્યા હોત તો આ ઓળખવાનું કામ તો થઈ જ ન શકત. આ એાળખવાના ફારસમાં સાક્ષીઓએ ખાદી પહેરેલા માણસોને વીણી વીણીને આગળ કર્યા. કયાણજીભાઈ તથા મણિબહેનની સાથે શ્રી. વલ્લભભાઈની મોટર સાફ કરનાર હીરજીભાઈ ગયો હતો, અને તે તદ્દન નિર્દોષ જ હતો. તેને ઓળખવા માટે એકઠા કરેલા લોકોમાં ભળી જવાનું ભાઈ કલ્યાણજીએ જાણીજોઈને સૂચવ્યું. વળી આ સ્થાને શ્રી. ભોગીલાલ નામના વિદ્યાપીઠના એક વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે હતા, જોકે ‘ગુના’ને દિવસે તો તે વાંકાનેરમાં પણ નહોતા. હવે પેલા સાક્ષીએાને તો એકઠા થયેલા લોકોમાંથી ગમે તે ખાદીધારીને ચૂંટી કાઢવા હતા એટલે આ વિદ્યાર્થી અને મોટર સાફ કરનાર બંનેને આરોપીની યાદીમાં આવી જવાની તક મળી !

આ ઓળખવાની ક્રિયાનું ફારસ વધુ ઉઘાડું પાડવાની જરૂર નથી. મુનશીસમિતિ આગળ જુબાની આપનારા ઘણા ગૃહસ્થોએ ઓળખવા માટે સાક્ષીઓ કેવી રીતે ઊભા કર્યા હતા તે બાબત પોતાની જુબાની આપી હતી. આ કેસમાં પાંચ આરોપીઓ ઉપર તો તહોમતનામું જ ન ફરમાવવામાં આવ્યું, ત્રણને મુકદ્દમો ચાલ્યા પછી નિર્દોષ ઠરાવવામાં આવ્યા, અને અગિયારને અમાસની અંધારી રાતને વધારે અંધારી કરે એવા ફાનસ વડે બધાને ઓળખી શકનારા (!) શખ્સની જુબાની ઉપર ૧૪૭, ૩૫૩ તથા ૧૪૯મી કલમોમાં દર્શાવેલા ગુના માટે છછ માસની સખ્ત કેદની તથા ૩૪૧મી કલમના ગુના માટે એક એક માસની આસાન કેદની સજા ફરમાવવામાં આવી ! આ વખતે મેજિસ્ટ્રેટસાહેબે કાયદાની કાંઈક કદર કરી અને બન્ને સજાની મુદત એકસાથે ગણાય એવું ફરમાવ્યું. આ અગિયારમાંથી પાંચ જણે ઉપલી કોર્ટને અપીલ કરી, તેમાં ચાર આરોપીઓની સજા તેમનું ઓળખાણ બરાબર સાબિત નહિ થવાના કારણે રદ થઈ હતી !

૨૦૦