પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


કમિશનર મિ. સ્માર્ટને સૂચના કરી તે શ્રી. મુનશીના પત્રનું જ પરિણામ ગણાય. વળી બીજા અનેકની ઊંઘ આ પત્રથી જ ઊડી.

વિષ્ટિકારોમાં બીજો ઉલ્લેખ સર પુરુષોત્તમદાસ ઠાકોરદાસ અને હિંદી વેપારીઓની ચેમ્બર ઑફ કૉમર્સના બીજા સભ્યોનો કરવો જોઈએ. મારી જાણ પ્રમાણે કલેક્ટરના આમંત્રણથી જૂનની શરૂઆતમાં જ સર પુરુષોત્તમદાસ કમિશનરને સૂરત મુકામે મળ્યા હતા. તેમણે શ્રી વલ્લભભાઈને પોતાને મળવા સારુ સૂરત આવવા કહ્યું, કે જેથી કરીને કમિશનર અને સરદાર વચ્ચે તેઓ મિત્રભાવે મસલત કરાવી શકે. પણ સરદાર ખૂબ જ કામમાં રોકાયેલા હતા એટલે જઈ ન શક્યા, અને તેમણે આ લેખકને સૂરત જઈ સર પુરુષોત્તમદાસ સાથે વાતચીત કરવા મોકલ્યો. સર પુરુષોત્તમદાસને મિ. સ્માર્ટ સાથે બહુ લાંબી વાતચીત થઈ. મિ. સ્માર્ટ આ ચળવળને છૂંદી નાંખવા માટે જે પગલાં લેવાં પડે તે લેવા તૈયાર હતા, અને ચાલુ માસની આખર પહેલાં સત્યાગ્રહીઓનો મોટો ભાગ તૂટી જશે એવી સંગીન આશાવાળા જણાયા. સર પુરુષોત્તમદાસે તેમને બરાબર સમજાવ્યું કે સત્યાગ્રહીઓની સહનશક્તિનું સાચું માપ તમારી પાસે નથી, અને જપ્તીઅમલદારેાએ જે ઉપાયો અખત્યાર કર્યા હતા અને પઠાણોએ જે વર્તણૂક ચલાવી હતી તેથી સરકાર ઠીક બદનામ થઈ ચૂકી હતી. ત્યારબાદ પોતાની ચેમ્બરના પ્રતિનિધિ શ્રી. લાલજી નારણજીએ બારડોલીના મુદ્દા ઉપર ધારાસભામાંથી રાજીનામું આપવું કે કેમ એ પ્રશ્ન તેમણે ચેમ્બરમાં ઉપાડ્યો. આ ઉપરથી સરકારનું વલણ સમજવા માટે ચેમ્બરના પ્રમુખ શ્રી. મેાદીએ નામદાર ગવર્નરને કેટલાક પત્રો લખ્યા, પણ એ પત્રવ્યવહારથી કશું વળ્યું નહિ. શ્રી, મુનશીના પત્રોના જવાબમાં જે વલણ બતાવ્યું હતું તેના કરતાં પણ કડક વલણ નામદાર ગવર્નરસાહેબે ચેમ્બરના પત્રના જવાબમાં દર્શાવ્યું. પછી નામદાર ગવર્નરને આ લડતનું સમાધાન કરવાની વિનંતિ કરવી માટે ચેમ્બરનું એક ડેપ્યુટેશન તેમની પાસે લઈ જવાનો

૨૧૪