પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


જૂનના ત્રીજા અઠવાડિયામાં પંડિત હૃદયનાથ કુંઝરુ, ‘સર્વન્ટ ઑફ ઇંડિયા’ના તંત્રી શ્રી. વઝે તથા શ્રી. અમૃતલાલ ઠક્કર, ત્રણે ભારતસેવાસંધના સભ્યો, લડતનો પ્રત્યક્ષ અભ્યાસ કરવા બારડોલી આવ્યા. તેમની પાસે સેટલમેંટ અમલદારોના રિપોર્ટો હતા જ અને તેમનો તો તેમણે અભ્યાસ કર્યો હતો. પણ સત્યાગ્રહીઓના આક્ષેપો તથા તપાસ માટેની તેમની માગણી વાજબી છે કે કેમ તે તપાસવા તેઓ ગામડાંમાં ફર્યા. શ્રી. મુનશી કરતાં પણ તેમનું દૃષ્ટિબિન્દુ વિશેષ તટસ્થ હતું. લોકોએ વેઠેલાં કષ્ટો તથા તેમની વીરત્વભરેલી લડતનો અભ્યાસ કરીને તેનું પરિણામ તો શ્રી. મુનશીએ બહાર પાડ્યું હતું અને તેમાં તેમના કરતાં બીજા કોઈ વધુ કરી શકે તેમ નહોતું. આ વિનીત નેતાઓએ તાલુકાની સ્થિતિનું વર્ણન કરવાનું માથે નહોતું લીધું. તેમને તો નવી આકારણી પૂરતી જ તપાસ કરવી હતી. તેમના પર્યટન દરમ્યાન તેમની સાથે ગામડાંમાં ફરનારા સ્વયંસેવકે ખાદીથી લોકોને કેવો લાભ થયો છે એ બતાવવા ખાદીનું કામ જ્યાં થતું હતું તે વિભાગની મુલાકાત લેવાનું તેમને સૂચવેલું, પરંતુ તે માગણીનો તેમણે આભાર સાથે ઇનકાર કર્યો. આ તટસ્થતામાં તેમની તપાસનું તથા તેઓ જે નિર્ણય ઉપર આવ્યા તેનું મૂલ્ય રહેલું છે.

તેમનું નિવેદન તેમની શાંત નિષ્પક્ષ વિચારસરણીને છાજે એવું હતું. તેમાં નિરર્થક એક પણ વીગત નહોતી કે એક પણ વિશેષણ નહોતું. અને બની શકે તેટલું તે સંક્ષિપ્ત હતું. તેઓએ ચાર પ્રશ્નોનો વિચાર કર્યો : એક, જમીનના માલિકો પોતાના ખેડૂતો પાસેથી જે ગણોત લે છે તેનો આધાર લઈને વધારો સૂચવાયેલો હોવાથી ખેડૂતોએ ભરેલાં ગણોતનાં જે પત્રકો તૈયાર થયાં છે તે આર્થિક દૃષ્ટિએ વાજબી દર ઠરાવવામાં મદદરૂપ થઈ પડે તેટલી કાળજીથી તૈયાર થયાં છે કે કેમ તે નક્કી કરવું અતિશય મહત્ત્વનું છે, અને જો એ પત્રકો ગંભીર ખામીવાળાં જણાય તો તે ઉપરથી દોરેલા બધા નિર્ણયો બિલકુલ નકામા ગણાવા જોઈએ; બીજો, ખુલ્લી હરીફાઈથી નક્કી થતાં ગણોતોને મહેસૂલના આધાર તરીકે ગણવાની નીતિ અખત્યાર કરતાં પહેલાં એટલું નકકી કરવું

૨૧૮