પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
ઊંઘમાંથી જાગ્યા
“એમ માનજો કે ઘાસના જંગલમાં ચિનગારી પડી છે, અને તમે જેટલું લાંબુ કરશો તેટલું જોખમ તમને છે. પ્રભુ તમને એ જોખમમાંથી બચાવો.”

બારડોલીમાં હવે કટોકટીની પરિસ્થિતિ તૈયાર થઈ રહી હતી, અને અનેક દિશામાંથી કામ કરનારાં અનેક બળો આ પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહ્યાં હતાં.

એક તરફ સ્થાનિક સરકારી અમલદારોનાં કારસ્થાન. પઠાણો તો ખૂબ બુમરાણ થયું એટલે મોડાવહેલા પણ ખેંચી લેવામાં આવ્યા. જપ્તીનું કામ લગભગ બંધ હતું, પણ જપ્તી અમલદારો કોકકોકવાર કાંઈક લૂંટ લાવીને પોતાની હાજરી જાહેર કરતા. પકડેલી બધી ભેંસો પાણીને મૂલે સરકારી આડતિયાઓને વેચાયા કરતી હતી. કેટલીકવાર પકડીને વેચેલી ભેંસ ખાતે થયેલું ખર્ચ બાદ કરતાં એક ભેંસને પેટે ચાર કે સાડાચાર રૂપિયા મજરે આપવામાં આવતા, અને તે મહેસૂલપેટે જમા લઈ ને તેની પાવતીઓ પહોંચાડવામાં આવતી. ખેડૂતો આ પાવતીને દાઝ્યા ઉપર ડામ જેવી ગણી ફેંકી દેતા.

બીજી તરફ ૧૯ મી જૂન ગઈ એટલે જમીન ખાલસા કરવાની તારીખ વીતી ગઈ. હજારો ખાલસા નોટિસો તો નીકળી ચૂકી હતી જ, લગભગ અઢારઓગણીસ ગામે જમીન ખાલસા પણ જાહેર થઈ ચૂકી હતી. છતાં લોકોને કશી પડી નહોતી. લોકો જમીન ખેડવાની તૈયારી કર્યે જતા હતા, ખાલસા જાહેર થયેલી

૨૨૩