પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


બનનારી વીરાંગનાની ભક્તિ ખૂંચી. તેણે તો એમ માન્યું હતું કે બારડોલીના અઢીસો સ્વયંસેવકો લોકોને પૈસે તાગડધિન્ના કરતા હશે, સ્વરાજ થાણાંમાં પડ્યા પડ્યા ઊંઘતા હશે, પણ તેની આંખ બારડોલીમાં આવીને ઊઘડી ગઈ. વલ્લભભાઈની ગેરહાજરીમાં પણ આશ્રમમાં તો તેણે કામ, કામ ને કામ જ જોયું; સ્વયંસેવકો પણ રેંજીપેંજી નહિ પણ કઠણ જીવન ગાળનારા જોયા, ઘણા જૂના જોગીઓ જોયા, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જોયા. આશ્રમમાં ગરીબને પૈસે મિષ્ટાન્ન ઊડતાં હશે એવી એણે આશા રાખેલી, પણ ત્યાં તો તેણે જાડીપાતળી રોટલી અને ભાતદાળ અને કેવળ રાત્રે જ શાક મળતાં જોયાં. ગાંધીજીનો દીકરો રામદાસ પણ આ રસોડે જલદી જલદી પોતાના કોળિયા ભરી બીજી છાવણીએ કામ પર જવાને તૈયારી કરતો જણાયો. દરરોજ મફત વહેંચાતી સત્યાગ્રહ પત્રિકાઓનું ખર્ચ થવું જોઈએ તેના કરતાં ઓછું થતું હશે એમ તેને લાગ્યું. આ બધું જોઈને એ બિચારો શું કરે ? એણે આંખો ચોળી. ગામડામાં સ્ત્રીઓની અકૃત્રિમ નિર્વ્યાજ ભક્તિ જોઈને, તેમનાં મધુર ગીતો સાંભળીને પણ એ આભો બન્યો. એ ગીતોમાંનો રાજદ્રોહ તેના કાનને ખૂચ્યો, પણ તે બહેનોના અવાજમાં અને તેમનાં પ્રફુલ વદનો ઉપર તેણે જે વીરતા જોઈ એ વીરતા પણ વર્ણવ્યા વિના એને નહિ ચાલ્યું.

ત્રીજું દશ્ય લોકો કેટલું કષ્ટ સહન કરી રહ્યા છે તેનું જોયું. તેણે પોકારીને કહ્યું: 'બેશક બારડોલીનાં ગામડાં ભયંકર તાવણીમાંથી પસાર થયાં છે.' આખો દિવસ બંધ રહેતાં ઘરોમાં પોતાનાં ઢોર ઢાંખર સાથે સ્ત્રીપુરુષો અઠવાડિયાંનાં અઠવાડિયાં સુધી શી રીતે ભરાઈ રહી શક્યાં હશે, મળમૂત્રના ત્રાસથી કેમ કોઈ

રોગચાળો ફાટી નીકળ્યો નહિ હોય, એ વિષે તેણે તાજુબી બતાવી, ઢોરોની દુર્દશા, તેમનાં શરીર પર પડેલાં પાઠાં, તેમને થયેલા અનેક રોગો જોઈ ને તે થથરી ગયો. એનું રહસ્ય સમજવાની એનામાં શક્તિ નહોતી, એટલે તેણે જડતાથી ટીકા કરી કે વલભભાઈએ આ ઢોરો ઉપર અત્યાચાર કર્યો.

૨૨૮