પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ મું
ઊંઘમાંથી જાગ્યા
 


આ બધું તો તેણે પોતાની મતિ અને પોતાના જાતિકુલનું પ્રમાણ આપતી ભાષામાં વર્ણવ્યું, પણ તેનાં સત્ય, અસત્ય અને કલ્પનાઓના ગોળાઓથી ભરેલા ત્રણ રિપોર્ટોમાંથી કેટલીક સાચી હકીકત તો સહેજે તરી આવી, અને તે વાંચીને બારડોલી વિષે જાણી જોઈને આંખ બંધ કરીને બેઠેલા સરકારી વર્ગ કાન ફફડાવી બેઠો થયો. આ હકીકત આ હતી :

વલ્લભભાઈ પટેલે તાલુકાના મહેસૂલી તંત્રના સાંધેસાંધા ઢીલા કરી નાંખ્યા છે; ૮૦ પટેલો અને ૧૯ તલાટીઓએ રાજીનામાં આપ્યાં છે, અને હવે જે રડ્યાખડ્યા રાજીનામાં આપ્યા વિના બેઠા છે તે વફાદાર છે એમ માનવાનું કારણ નથી; વલ્લભભાઈએ લોકોને એવા તો બહેકાવી મૂક્યા છે કે કોઈ માનતું જ નથી કે મહેસૂલવધારો સરકાર કદી લઈ શકે; આ ઉપરાંત તાલુકાનું આશ્ચર્યકારક સંગઠન, સ્ત્રીઓની અજબ વીરભક્તિ, સ્વયંસેવકો, છાવણીઓ, લોકોની અપાર વિટંબણા—- એ વિષે તો હું ઉપર જણાવી ગયો તે પ્રમાણે.

આ લેખો સરકારને ધમકીરૂપ અને ચેતવણીરૂપ હતા, કદાચ સરકારને દેખાડીને લખાયેલા પણ હોય, એટલા માટે કે એવા બિહામણા ચિત્રના તાર રોઈટર વિલાયત મોકલે, અને પછી અહીં જલિયાંવાલા બાગ થાય તો બ્રિટિશ પ્રજાની આગળ સરકાર બચાવનો ઢોંગ તો કરી શકે કે બારડોલીમાં મોટો બળવો ફાટી નીકળ્યો હતો. 'ટાઈમ્સ' ના ખબરપત્રીના પોતાના લેખનાં મથાળાં આ હતાં : 'બારડોલીના ખેડૂતોનો બળવો,’ ‘ બારડોલીમાં બોલ્શેવિઝમ' વગેરે; અને સરકારને ચેતવણી હતીઃ 'વલ્લભભાઈને બારડોલીમાં સોવિયેટ રાજ્ય સ્થાપવું છે, અને એ લેનિનનો ભાગ ભજવી રહ્યો છે, અને જ્યાં સુધી એ માણસનો પ્રભાવ ચાલુ રહેશે ત્યાં સુધી બારડોલીમાં શાંતિ થવી અશક્ય છે.' આનો ધ્વનિ તો બેવકૂફ પણ સમજી શકે એવો હતો.

બ્રિટિશ સિંહને તેની નિદ્રામાંથી જગાડવાનું ધારેલું પરિણામ એ લેખોનું આવ્યું. આમની સભામાં બારડોલીના સત્યાગ્રહની લોર્ડ વિન્ટર્ટને સમીક્ષા કરી અને તેમાં જણાવ્યું કે શ્રી વલ્લભભાઈને

૨૨૯