પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ મું
ઊઘમાંથી જાગ્યા
 


મુલાકાતને પરિણામે તુરત જ ત્યાં રાા લાખનો હેડિયાવેરો રદ થઈ લોકોને ન્યાય મળ્યો હતો. પણ બારડોલી વખતે સર લેસ્લી બદલાઈ ગયા હતા. પાંચપાંચ વરસ પ્રપંચી અને અષ્ટાવધાની સિવિલિયનોના સમાગમથી તેમની બધી સ્વતંત્રતા અને સૂઝ ઊડી ગઈ હતી.

આ આખી લડત દરમ્યાન સરકારના જેટલો પત્રવ્યવહાર બહાર પડ્યો તેમાં ગવર્નરસાહેબ પોતાના હાથ નીચેના સિવિલિયન અમલદારોના નચાવ્યા કેમ નાચ્યા છે, એ જ પ્રગટ થાય છે. તેમના સિમલાપ્રયાણની પત્રિકા પણ આમાંના જ કોઈ માણસે ઘડેલી હોવી જોઈએ. એ પત્રિકામાં કેવળ ગવર્નર સિમલા જાય છે, વળતાં સુરત ઊતરશે અને જેને મળવું હોય તેને મળશે, એટલું જ લખ્યું હોત તો કશા માનાપમાનનો સવાલ નહોતો, કેવળ હકીકત પ્રગટ થાત. પણ મનનું પાપ ઢાંક્યું રહેતું નથી. એ જવામાં જ રખેને પ્રજા ‘નમી ગયા’ એમ કહે તો તેનો કાંઈક જવાબ પણ અગાઉથી આપી દેવો જોઈએ, એ કારણે ગવર્નરસાહેબને વિષે લખવામાં આવ્યું : 'ગવર્નરસાહેબની સ્પષ્ટ ફરજ કાયદાનું

સર્વોપરિપણું કાયમ રાખવાની છે, પણ શહેનશાહના પ્રતિનિધિ તરીકે તેમની ફરજ એ જોવાની પણ છે કે ઘણા લોકો ઉપર ભારે સંકટ અને ત્રાસ ન પડે.' આ બધી વાણી પેલું પ્રતિષ્ઠાનું ભૂત ઉચ્ચરાવતું હતું જે પ્રતિષ્ઠાનું ભૂત આપણે સરકારના ઉપર લડતના અંત સુધી, સમાધાની દરમ્યાન અને સમાધાની પછી પણ, સવાર થયેલું જોશું.

૨૩૧