પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯ મું
વિકરાળ કાળિકા
 

 આબરૂ ન ગણાય. સરકારની શરતોનો એટલો જ અર્થ છે કે વધારેલું મહેસૂલ ભરવાનું ના પાડીને લોકોએ અપરાધ કર્યો છે. હવેથી તેઓ એ અપરાધ કરતા અટકે, અને જે વધારો ખોટી રીતે આંકવામાં આવેલો હોવાનું તેઓ કહે છે તે વધારાની રકમ તેઓ અનામત મૂકે, તો સરકાર વ્યક્તિગત દાખલા ફરી તપાસવાની મહેરબાની કરે. નેતા થવાને લાયક કોઈ પણ વ્યક્તિ આવી શરતો સ્વીકારી શકે નહિ. લોકોએ અપરાધ કર્યો છે એવી તેની ખાતરી થવાને બદલે તેની ઊંડી ખાતરી તો એવી થયેલી છે કે લોકોનો પક્ષ સાચો છે અને સરકારનો પક્ષ તદ્દન ખોટો છે.

પણ શ્રી. વલ્લભભાઈ સરકારની પેઠે અશક્ય શરતો રજૂ કરતા નથી. સરકારે ભૂલ કરી છે એવું સરકાર પાસે સ્વીકારાવી લેવાની માગણી પણ તે નથી કરતા. તેમની માગણી તો એટલી જ છે કે આ લડતમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એની તપાસ સરકારે પોતે નિમેલી સમિતિ દ્વારા થાય, માત્ર એ સમિતિમાં લોકોનું વાજબી પ્રતિનિધિત્વ હોય. અને આમ થાય તો તેમની બીજી શરત એ છે કે આવી નિષ્પક્ષ તપાસસમિતિ નિમાવાનું જે સ્વાભાવિક અને સીધું પરિણામ હોવું જોઈએ કે લડત પહેલાં જે સ્થિતિ હતી તે કરી દેવી એ વસ્તુ સરકારે સ્વીકારવી જ જોઈએ. હું તો એમ પણ સૂચવવા માગું છું કે આથી જો જરા પણ થોડું તે માગે અથવા સ્વીકારે તો તેમણે ભારે વિશ્વાસભંગ કર્યો ગણાય. આબરૂભર્યું સમાધાન કરવાની તેમની તત્પરતા અને ન્યાયપરતા તેમની પાસે આટલી ઓછામાં ઓછી માગણી કરાવે છે. નહિ તો જમીનમહેસૂલની સરકારની આખી નીતિનો પ્રશ્ન તેઓ ઉપાડી શકે છે, અને પોતાના કાંઈ પણ દોષ વિના છેલ્લા ચારચાર માસ થયા લોકો જે સિતમ વેઠી રહ્યા છે તેને માટે નુકસાની પણ માગી શકે છે.

સરકારની આગળ બે જ માર્ગ પડેલા છે — આખા દેશના લોકમતને માન આપી શ્રી. વલ્લભભાઈની માગણી સ્વીકારે અથવા પોતાની જૂઠી પ્રતિષ્ઠા ઊંચી રાખવા દમનનીતિના દોર છૂટા મૂકે. હજી વખત વહી ગયો નથી. હું તો સરકારને સત્યનો માર્ગ સ્વીકારવાની વિનંતિ કરું છું.”

૨૪૧