પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેને રામ રાખે
 

હતા તો કેટલાકને ડરાવી દીધા હતા. જે સભ્યોને પેલું અલ્ટિમેટમ આપવામાં આવ્યું તેઓ તેને માટે તૈયાર નહોતા જ. તેમને માટે સીધો અને સાચો રસ્તો એ હતો કે સર લેસ્લી વિલ્સનને જરાય લાંબીટૂંકી વાત કર્યા વિના કહી દેવું કે અમારાથી આ શરતો ન પૂરી થઈ શકે, કારણ અમે તો બારડોલીનાં લોકોની લાજ રાખશું એ વચને પાછા ધારાસભામાં આવ્યા છીએ, અને એ સત્યાગ્રહીઓનો નિશ્ચય ફેરવાવો એ અમારી મકદૂર નથી. પણ આવો જવાબ તત્કાળ આપી દેવાને બદલે તેમનામાંના એક પક્ષે એક નિવેદન તૈયાર કર્યું અને તેને ધારાસભાના ૫૦ સભ્યોની સહીથી પ્રસિદ્ધ કર્યું. એ નિવેદનમાં તેમણે ‘બારડોલી સત્યાગ્રહ જેવી શાંત અને બંધારણપૂર્વકની લડતને ગવર્નરસાહેબે બેકાયદા ચળવળ કહી છે તેની સામે સખત વિરોધ’ ઉઠાવ્યો, અને ખેદ દર્શાવ્યો કે ‘નામદાર ગવર્નરે આ ઘડીએ ધારાસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર ખાસ કરીને સૂરતના પ્રતિનિધિઓ ઉપર અલ્ટિમેટમમાંથી ઊભી થતી જવાબદારી નાંખી છે, જ્યારે એ લોકોએ અગાઉ સમાધાનીના પ્રયત્ન કરેલા હતા તેની ઉપર સરકારે કશું ધ્યાન આપ્યું નહોતું.’ આ વિરોધની ભાષા સરસ હતી, પણ એથી વધારે સ્પષ્ટ ભાષાથી તેઓ લખી શકતા હતા. તેમણે સરકારને સાફ કહેવું જોઈતું હતું કે જો સત્યાગ્રહ, બંધ કરવો હોય તો આપ નામદારે સીધી સરદાર સાથે વાતચીત કરી લેવી જોઈએ. પણ આજની ધારાસભા જેવા મંડળ પાસેથી આવી આશા રાખવી એ કદાચ વધારે પડતું હોય.

બારડોલી બહારના ગરમ દળે તો ગવર્નરના ભાષણને હર્ષભેર વધાવી લીધું — એ કારણે કે હવે સત્યાગ્રહીઓની ઉત્તમોત્તમ કસોટી થવાનો અને સ્વરાજ્યની મોટી લડતનો અવસર આવશે. આ ઈચ્છા સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરે ગાંધીજીને લખેલા એક ખુલ્લા પત્રમાં પ્રકટ પણ કરી દીધી. તેમણે ગાંધીજીને સલાહ આપી કે શ્રી. વલ્લભભાઈએ બોરડોલી સત્યાગ્રહને મર્યાદિત રાખ્યો તે વ્યવહારવિરુદ્ધ લાગે છે, માટે હવે તો આખા દેશમાં સવિનય ભંગની હિલચાલ શરૂ થવી જોઈએ.

૨૪૩